સમ્રાટ ગામ ચમારડી–બાબરા તાલુકાનું ગૌરવ
અમરેલી, 11 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ચમારડી ગામ, આજે એક સ્માર્ટ ગામ તરીકે નવી ઓળખ બનાવી રહ્યું છે. વિસ્તારની ભાષામાં સમ્રાટ ગામ તરીકે ઓળખાતું આ ગામ વિકાસના તમામ માપદંડો પર આગળ છે. અહીં માત્ર ભૌતિક સુવિધાઓ જ નથી, પણ સમાજસેવી દાતાઓન
સમ્રાટ ગામ ચમારડી – બાબરા તાલુકાનું ગૌરવ


અમરેલી, 11 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ચમારડી ગામ, આજે એક સ્માર્ટ ગામ તરીકે નવી ઓળખ બનાવી રહ્યું છે. વિસ્તારની ભાષામાં સમ્રાટ ગામ તરીકે ઓળખાતું આ ગામ વિકાસના તમામ માપદંડો પર આગળ છે. અહીં માત્ર ભૌતિક સુવિધાઓ જ નથી, પણ સમાજસેવી દાતાઓના સહકારથી એક આદર્શ ગામ બની ગયું છે, જેની પ્રેરણાદાયક કહાણી આજે સૌરાષ્ટ્ર માટે ગૌરવનું કારણ બની છે.

ચમારડી ગામની કુલ વસ્તી અંદાજે 5500 જેટલી છે, જેમાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. મુખ્ય તત્વ એ છે કે અહીંના લોકોમાં ગામ માટે વિશેષ પ્રેમ અને એકતાની ભાવના છે. ગામમાં ત્રણ દૂધ ડેરીઓ, સરકારી દવાખાનું, માધ્યમિક શાળા, અને સરકારી બસ સ્ટેન્ડ જેવી તમામ મૌલિક જરૂરિયાતોની સુવિધાઓ ઉપલબ્ધ છે.

વિશેષ નોંધનીય બાબત એ છે કે, ચમારડી ગામના મુખ્ય માર્ગે વિશાળ ગેટ સ્થાપવામાં આવ્યું છે, જે આ ગામના વિકાસની પ્રથમ ઝાંખી આપે છે. આ સિવાય, ગુજરાતના મહાનુભાવો જેવી કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, ભગતસિંહ જેવા વિભૂતિઓની પ્રતિમાઓ ગામના વિવિધ ચોરાહાઓ પર મુકવામાં આવી છે, જે નવી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય છે.

જીવનભાઈ વેલજીભાઈ પીઢડિયા, જે ગામના અગ્રણીઓમાં આવે છે, તેમણે જણાવ્યું કે ચમારડી ગામ બાબરા તાલુકાનું શ્રેષ્ઠ ગામ છે. તેઓ કહે છે કે ગામમાં રસ્તા, ગટર લાઈનો, પાણીની સુવિધા, તેમજ સરકારી પરિવહનની ઉપલબ્ધતા ગામના લોકોને શહેર જેવી સુવિધાઓ આપે છે. ગામમાં સ્ટ્રીટ લાઈટની વ્યાપક વ્યવસ્થા છે, જે રાત્રિના સમયમાં લોકોના જીવનને વધુ સુરક્ષિત અને સરળ બનાવે છે.

આ ગામની પાછળ એક મહત્વપૂર્ણ ભાગીદારી છે – ગામના દાતા લોકોની. સુરત, મુંબઈ અને અમદાવાદમાં વસતા ચમારડીના પાટીદારો પોતાની જન્મભૂમિ માટે સતત યોગદાન આપે છે.

આજનું ચમારડી માત્ર એક ગામ નથી, એ તો એક ચળવળ છે – ગ્રામ વિકાસની ચળવળ, જાત-પાતથી ઉપર ઉઠીને સમાજના હિત માટે કામ કરતી જનશક્તિની ચળવળ. જે રીતે ગામે પોતાનું સ્થાન વિકાસના નકશા પર ઘડ્યું છે, તે સૌરાષ્ટ્રના અન્ય ગામોને પણ પ્રેરણા આપે છે.

આ રીતે, ચમારડી આજે શબ્દશઃ સમ્રાટ ગામ છે – ગૌરવ, વિકાસ અને સંસ્કૃતિનો જીવતો દાખલો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande