ગીર સોમનાથ 11 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ રાજ્યનું એકપણ બાળક કૂપોષિત ન રહે તે માટે બાલભોગ, દૂધ સંજીવની યોજના, મધ્યાહન ભોજન યોજના જેવા વ્યાપક પ્રયાસો દ્વારા રાજ્યના તમામ નાના બાળકોને સુયોગ્ય પોષણ મળે અને તેવો સશક્ત ભારતના સશક્ત નાગરિક બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
બાળ કૂપોષણ નાબૂદી માટેનો આવો જ એક પ્રયાસ અને અભિયાન છે. બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર...જ્યાં ૦ થી લઇ ૫ વર્ષ સુધીના કૂપોષિત બાળકને ૧૪ દિવસ માટે સારવાર આપીને સુપોષિત કરવામાં આવે છે.
ગીર સોમનાથના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રમાં છેલ્લા ૧ વર્ષમાં એક હજારથી વધુ બાળકોની યોગ્ય કાળજી અને માવજત દ્વારા સુપોષિત કરાયાં છે.
આ કેન્દ્રમાં શારિરીક રીતે અશક્ત બાળકોને તેના યોગ્ય મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ બાળકને તેમની ક્ષમતા અનુસારનો ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જેમાં બાળકોને ફળફળાદી, નાસ્તો, દૂધ, કઠોળ અને પ્રોટિનયુક્ત પાવડર આપવામાં આવે છે.
આ અંગે પોષણશાસ્ત્રી જીજ્ઞાસાબેન ધનસુખભાઇ ભારાવાલાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૫માં સિવિલ હોસ્પિટલ ખાતે બાળ કૂપોષણ સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ગયા વર્ષે ૧૨૮ બાળકોને યોગ્ય સારવાર બાદ કૂપોષણમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી.
અહીં દાખલ થતા બાળકના માતા-પિતાને સારવાર અને ત્યારબાદની ત્રણ ફોલો-અપ વિઝીટ માટે રૂ.૨,૫૦૦ની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જેથી કરીને બાળકના માતા-પિતાને આવવા જવા માટેનું કોઇ આર્થિક ભારણ પડે નહીં.
આ કેન્દ્રમાં સારવાર લઇને સુપોષિત થયેલ બાળકી ઉમ્મૂલખેરના પિતા અફઝલભાઇ મલેકે જણાવ્યું કે, ઉમ્મૂલખેર અતિકૂપોષિત હતી અને તેનું શરીર વધતું નહતું. જેથી અમે તેને સારવાર માટે આ કેન્દ્ર ખાતે લાવ્યાં હતાં. જ્યારે તેમને આ કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવી ત્યારે ઉમ્મૂલખેરનું વજન માત્ર ૮.૧ કિ.ગ્રા. હતું. જ્યારે ૧૪ દિવસની સારવાર બાદ તેમનું વજન ૯.૩ કિ.ગ્રા. થયું હતું અને ત્રણ ફોલો-અપ વિઝીટ બાદ તેમનું વજન ૧૦.૧ કિ.ગ્રા. થયું છે.
આ અંગે ઉમ્મૂલખેરની માતા શબાના મલેકે જણાવ્યું કે, સારવાર પહેલા મારી દિકરી ચાલી કે બોલી શક્તી ન હતી. પરંતુ આ સારવાર બાદ તે હસ્તી-રમતી થઇ છે અને બોલવા પણ લાગી છે.
આ અંગે ઉમ્મૂલખેરના માતા-પિતાએ આ કેન્દ્ર દ્વારા મળેલી સારવારની પ્રશંસા કરી રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાની સરાહના કરી હતી.
આમ, ઉમ્મૂલખેર જેવા અનેક કૂપોષિત બાળકોને સુપોષિત અને સશક્ત બનાવવા માટે બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર ઉપયોગી બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ