ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના એન એસ એસ યુનિટ દ્વારા રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ DPT બુસ્ટર, TD10 અને TD16 જેવી રસી અંગે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો હતો.
કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ સીતાપરા દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને રસીકરણના મહત્વ, ઉપચારાત્મક લાભો અને રસી ન લેવામાં આવે તો સંભવિત જોખમો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વયંસેવકોને વિવિધ જૂથોમાં વિભાજિત કરીને વેરાવળના આસપાસના વિસ્તારોમાં ઘર-ઘરે જઈને લોકોને રસી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સામાજિક અને આરોગ્ય સંબંધી કાર્યક્રમો વિદ્યાર્થીઓને જવાબદારી અને સામાજિક કલ્યાણ પ્રત્યેની ભાવના શીખવે છે. NSS જેવી પ્રવૃત્તિઓ માત્ર શૈક્ષણિક નહીં, પણ માનવતા માટે પણ ઉપયોગી બને છે
આ રસીકરણ જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું અને કોલેજના એનએસએસ યુનિટ, વિદ્યાર્થીવર્ગ અને સ્ટાફના સહયોગથી લોકજાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ