ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય અને હર્ષોલ્લાસભર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતમાં વસવાટ કરતા તેલંગાણા અને પશ્ચિમ બંગાળના નાગરિકો, ભારતીય સેના અને રાજ્યના વહીવટી તંત્રમાં સેવારત અધિકારીઓ, વિદ્યાર્થીઓ, કલાકારો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના સાથે ઉજવાયેલા પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસના આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભારતીય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંત ‘વસુધૈવ કુટુંબકમ્’ને યાદ કરતાં કહ્યું કે, આ તારું છે, આ મારું છે – આ વામણા વિચારો છે. ભારતના વેદોએ આખી દુનિયાને પોતાનો પરિવાર માન્યો છે. વેદોમાં કહેવાયું છે, સંવન્તુ સર્વે અમૃતસ્ય પુત્રાઃ – આપણે સૌ એક ઈશ્વરના સંતાનો છીએ. જો સમગ્ર વિશ્વ એકતા અને પ્રેમથી રહે અને એકબીજાના સુખ દુઃખના સાથી બને તો દુનિયા ખૂબ જ સુંદર બની જાય.
ધર્મ, જાતિ અને રંગના ભેદને અર્થહીન ગણાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આજે અહીં જે બધા લોકો બેઠા છે, શું કોઈ કહી શકે કે કોણ કઈ જાતિનો છે? સૌના લોહીનો રંગ એક સરખો છે. કોઈ બીમાર પડે તો આપણે એકબીજાને રક્તદાન કરીએ છીએ. રક્તને કોઈ પૂછતું નથી કે ધર્મ કે જાતિ શું છે. આ એકતા આપણી અંદર છે, પરંતુ કેટલાક કટ્ટરપંથી તત્ત્વોએ સમાજના ભાગલા પાડવાના પ્રયાસો કર્યા છે. પડોશીઓ-પડોશીઓ સાથે લડી રહ્યા છે, ભાઈઓ એકબીજા સાથે લડી રહ્યા છે. પરંતુ, આપણી સંસ્કૃતિ તો વિવિધતામાં એકતાની છે. વેદોમાં કહ્યું છે કે, ગાય પોતાના નવા જન્મેલા વાછરડાને જેવી રીતે પ્રેમ કરે છે, તેવી રીતે મનુષ્યોએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. દુનિયામાં સુખી રહેવાનો આ સૌથી મોટો મંત્ર છે.
રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતએ વેદોના ઉલ્લેખ સાથે કહ્યું કે, વેદો કહે છે : ‘સહૃદયં સામંજસ્યં કૃત્વા’ – એટલે કે એકબીજાના હ્રદય સાથે જોડાઈ જાવ. જેમ રથની તમામ કમાન એકબીજાનો ભાર સહન કરી લે છે, તમામ કમાન એકબીજાની તાકાત બની જાય છે અને રથને આગળ લઈ જાય છે એમ સમાજના તમામ લોકોએ એકબીજાના સહાયક બનીને એક-મેકના વિકાસમાં પૂરક બનવું જોઈએ. જે સમાજ, રાજ્ય, રાષ્ટ્ર આ કમાનની જેમ એકબીજા સાથે જોડાયેલા રહે છે, તેની પ્રગતિ અને વિકાસને કોઈ રોકી શકતું નથી. વેદમાં કહેવાયું છે : ‘યસ્તુ સર્વાણિ ભૂતાનિ આતમન્યેવાનુપશ્યતિ’ – જે દરેક જીવમાં પોતાની આત્માને જુએ અને દરેક જીવની આત્માને પોતાની આત્મા તરીકે જુએ, એ જ સાચા અર્થમાં ઈશ્વરને મળી શકે છે. જો તમારે સુખી થવું હોય તો હળીમળીને રહો, એકબીજાની લાગણીનો આદર કરો, એકબીજાને ટેકો આપશો તેટલા વધુ ખુશ અને સુખી રહેશો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યતાને દેશની સૌથી મોટી શક્તિ તરીકે વર્ણવતાં જણાવ્યું કે, આપણો દેશ વિશાળ છે, અહીં વિવિધ ભાષાઓ, બોલીઓ, ખાન-પાન, વસ્ત્રો, સંગીત અને કળાનું વૈવિધ્ય છે – છતાં ભારત એક છે. તેમણે જણાવ્યું કે, આ જ વિચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે દેશના દરેક રાજભવનમાં, દરેક રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાય, જેથી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને વધુ સશક્ત બનાવી શકાય. તેમણે ઉમેર્યું કે, આ આયોજનનો ઉદ્દેશ એ છે કે, આપણે એકબીજાના સંપર્કમાં આવીએ, પરિચય વધારીએ, પરસ્પર સહયોગ આપીએ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવીએ.
રાજ્યપાલએ પશ્ચિમ બંગાળને સમૃદ્ધ સાહિત્યિક, સાંસ્કૃતિક અને બુદ્ધિપ્રધાન પરંપરાનું ધારક રાજ્ય ગણાવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળે દેશને મહાન સાહિત્યકારો, વિચારકો, સમાજસુધારકો અને નેતાજી સુભાષચંદ્ર બોસ જેવા પ્રખર સ્વાતંત્ર્યસેનાનીઓ આપ્યા છે. આજે આ દિવસ એ મહાન પુરુષોનું સ્મરણ કરવાનો અવસર છે. તેમણે તેલંગાણા રાજ્યના ઐતિહાસિક સંઘર્ષનું સ્મરણ કરાવતાં જણાવ્યું કે, તેલંગાણા લાંબા સંઘર્ષ બાદ એક અલગ રાજ્ય બનીને આજે આઈ.ટી. ક્ષેત્રમાં વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે.
રાજ્યપાલએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલએ આ કાર્યક્રમમાં પોતાની વિશેષ પ્રતિભાનો કલા દ્વારા પરિચય આપનાર કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલએ કૃતિઓ રજૂ કરનાર તમામનું સન્માન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં લેડી ગવર્નર દર્શનાદેવીજી, પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગરના ડાયરેક્ટર જનરલ ડૉ. નીરજા ગોત્રુ, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, ભારતીય સેના-સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ગુજરાતમાં વસતા પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ