પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં ટ્રાફિક પોલીસના સુરક્ષા અને આરામ માટે વધુ બે નવા ડોમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પાવન દિવસે શહેરના ટીબી ત્રણ રસ્તા અને એપીએમસી હાઇવે નજીક રોટલીયા હનુમાન તરફ જવાના ચાર રસ્તા માર્ગ પર આ ડોમ કાર્યરત કરવામાં આવ્યા. આ પહેલા સિદ્ધપુર ચાર રસ્તા પર પણ આવો એક ડોમ કાર્યરત છે. આ નવી સુવિધા શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રોટલીયા હનુમાન, સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને પાટણ એપીએમસીના ચેરમેનના સંયુક્ત પ્રયાસથી શક્ય બની છે.
લોકાર્પણ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી તથા હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી અને એ ડિવિઝનના પીઆઈ ભોયને આ ડોમ ટ્રાફિક પોલીસની સુવિધા માટે અર્પણ કરવામાં આવ્યો.
દરશક ત્રિવેદી દ્વારા જણાવાયું કે આગામી સમયમાં સિદ્ધપુર શહેરના હાઈવે માર્ગ પર પણ આવો એક ડોમ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ મોદી સોલ્ટેક્સના પ્રવીણભાઈ મોદી અને રેડક્રોસ પરિવારના સંયુક્ત ઉપક્રમે અમલમાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ અંગદાન અંગે જાગૃતિ લાવવાનો અને દિલીપ દાદા દેશમુખના અંગદાન અભિયાનને વેગ આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર