જૂનાગઢ 11 જુલાઈ (હિ.સ.)જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સમાજ વિરોધી, ભાંગફોડિયા તત્વો ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોના ઉપયોગ કરતા હોવાનું જણાયેલું છે. આ પ્રકારના કૃત્યોમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની ઘણીવાર સતાવાર નોંધણી ન થયેલી હોવાને કારણે આરોપીઓ સુધી પહોંચવાનું તપાસ એજન્સી/ પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે.
તેથી જૂના વાહનોના લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ/ એજન્ટો ઉપર નિયંત્રણ મૂકવા જરૂરી જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ જૂનાગઢને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનોને ભાડે આપનાર વ્યક્તિઓએ વાહન કોને વેચેલ છે/ કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે, તેનું પુરું નામ, ઉંમર, સરનામું, કોન્ટેક્ટ નંબર, વાહનનો નંબર, વાહનનો પ્રકાર, એન્જીન નંબર, ચેસીસ નંબર, રજુ કરેલ આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, બેન્કની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બિલ, ટેલિફોન બીલ, ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી, વાહન કોને વેચેલ છે, કોની પાસેથી ખરીદેલ છે, કોને ભાડે આપેલ છે, તેમનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વાહનની આર.સી.બૂકની નકલ સહિતનું રજીસ્ટર સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી-સિક્કા કરાવી નિભાવણી કરવાની રહેશે.
આવા વેપારીએ દર મહિનાને અંતે આવા જૂના ખરીદ કરેલ/ વેચાણ/ ભાડે આપેલ વાહનોની તમામ વિગતો પોલીસ અધિક્ષક જૂનાગઢની કચેરી, એ.સો.જી.શાખા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ– ૩૬૨૦૦૧ ના ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૧૦૧ ખાતે અચૂક રજૂ કરવાની રહેશે.
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ