ભુજ-કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે 11મી જુલાઇએ ભુજની મુલાકાત લીધી હતી અને કચ્છીઓના પ્રશ્નો સાંભળવાની આગોતરી જાહેરાત તેમના X હેન્ડલ સહિત કરી હતી. જોકે ભુજની બોર્ડર રેન્જ પોલીસની કચેરીમાં અરજદારોની પૂરતી રજૂઆતો ન સાંભળતા નારાજગી ઉભી થઇ છે. લોકો સાથે સંકલન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ અરજદારોને કહ્યું હતું કે, તમારી અરજી આપી દો, રૂબરૂ સાંભળવાનો સમય રહ્યો નથી.
કોંગ્રેસે જિલ્લાના મહત્ત્વના મુદ્દા આવેદનરૂપે રજૂ કર્યા
દરમિયાન, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે પણ એક આવેદનપત્ર જારી કરીને કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવે તેવી માગણી કરી છે. મુદ્દાસર રજૂ કરેલા પ્રશ્નોમાં હુંબલે જણાવ્યું છે કે, અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં એક અલાયદું પોલીસ મથક અનિવાર્ય છે. જિલ્લામાં ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે અને બહારની એજન્સી દરોડા પાડે છે પણ સ્થાનિક અધિકારીઓ દૂષણ કરનારાઓને છાવરતા હોય તેમ લાગે છે. તેથી તેમની સામે કાર્યવાહી જરૂરી છે.
કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની આવશ્યકતા છે. અપહરણ, દુષ્કર્મ સહિતની ઘટનાઓ સામે ધાક બેસાડતી કામગીરી કરવી જરૂરી છે. આ ઉપરાંત પોલીસ મથકની નજીકમાં ખનિજ ચોરી, ઓવરલોડ વાહનો પસાર થતા રહે છે. આવા વાહનો ટ્રાફિકને અડચણરૂપ પણ બને છે તેથી તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.
ગાંધીધામ અને ભુજમાં ટ્રાફિક સમસ્યા દૂર કરો
ગાંધીધામ અને ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ હોવાનો આક્ષેપ પણ વી. કે. હુંબલે તેમના આવેદનમાં કર્યો છે. લોકોનો સમય ટ્રાફિક જામમાં વ્યર્થ જાય છે. આ ઉપરાંત સામાન્ય વાહન ચાલકોના વાહન ડિટેઇન કરાય છે અને બ્લેક ફિલ્મવાળાને જવા દેવાતા હોવાની ફરિયાદ પણ કરાઇ છે.
ડીજી સહાયને રજૂઆત કરતી વેળાએ કોંગ્રેસના પ્રવક્તા ગની કુંભાર, ભુજના શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી તથા અન્ય નેતાઓ જોડાયા હતા.
તમામને ડીજી ન મળી શકતાં નારાજગી
કચ્છમાં આદ્યોગિક ગુનાખોરી, વ્યાજખોરી સહિતના પડતર મામલાઓ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત રાજ્યસ્તરે નાગરિકો ફરિયાદો કરતા હોય છે પરંતુ શુક્રવારે પોલીસ ડીજી વિકાસ સહાય ભુજ આવ્યા હતા અને લોકોને સાંભળશે તેમ જણાવાયું હતું. પરંતુ તમામને ન મળી શકતાં લોકોમાં નારાજગી ફેલાઇ હતી. નાગરિકોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ, જૂના પોલીસ સાથેના પ્રકરણોનો અંત ન આવવો સહિતના મામલે કેટલાક 80થી 90 કિલોમીટરનું અંતર કાપીને ભુજ પહોંચ્યા હતા. પરંતુ ડીજી મળી શક્યા ન હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA