ભુજ-કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : 1 ડિસેમ્બર એટલે કે બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતને નસીબ થઇ છે અને એ પણ ભારત પાકિસ્તાનની સંવેદનશીલ સરહદે આવેલા કચ્છમાં. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે સરહદ ઉપરની પ્રથમ હરોળની સુરક્ષા એજન્સી અને તે કચ્છ અને ગુજરાત માટે અત્યારે અડિખમ ઉભી છે. સીમા દળના આવનારા સ્થાપના દિવસે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ સીમાદળના દેશભરમાંથી 11 જેટલા કન્ટીનજેન્ટના જવાનોની પરેડ સલામતી ઝીલશે. આ માટે બીએસએફ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જાણો શું છે તૈયારી અને શહીદોની પ્રતિમા સાથે શું આયોજનો કરાશે.
જાણો ક્યાં યોજાશે બીએસએફ રાઇઝિંગ ડેની પરેડ
1 ડિસેમ્બરે સીમા દળના રાઇઝિંગ ડેની ઉજવણી ભુજના હરિપર રોડ ઉપર આવેલા બીએસઅફ કેમ્પસમાં થવાની છે. આ માટે વિશાળ ગ્રાઉન્ડની સાફ સફાઇ વરસાદ બંધ થતાંની સાથે જ શરૂ કરવામાં આવશે. મુન્દ્રા રોડ ઉપરની બટાલિયનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શહીદ સ્મારક જેવી પ્રતિકૃતિ ઉભી કરીને ત્યાં ગૃહમંત્રી કચ્છના 1965 અને 1971ના યુદ્ધના શહીદોને અંજલિ આપે તેવી પણ સંભાવના છે. કચ્છની સરહદે ફેન્સિંગ કે રસ્તાઓ કે અન્ય તૈયાર થતી માળખાકિય સુવિધાઓના કામ પૂરા થશે તો તેનું પણ ઇલોકાર્પણ સંભવ છે.
કેટલા લોકો આ પરેડ સમારોહમાં હાજર રહેશે?
ગૃહમંત્રી દિલ્હીથી આવી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી ઉપરાંત સીમાદળના ડાયરેક્ટર જનરલ, ગુજરાત ફ્રન્ટિયરના આઇજી, ભુજ સબ હેડક્વાર્ટરના ડીઆઇજી તથા વિવિધ ફ્રન્ટિયરના અધિકારીઓ હાજર રહે તેવી તૈયારી કરાશે. ખાસ કરીને 11 કન્ટીનજેન્ટના જવાનોની પરેડ હોવાથી ત્યાંના જવાનો ઉપરાંત ત્યાંના અધિકારીઓ પણ સામેલ થઇ શકે છે. બીએસએફ પરીસરમાં બનનારા કેમ્પસમાં દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હશે.
દિલ્હી બહાર ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ રાઇઝિંગ ડે
માહિતગારોના કહેવા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર દિલ્હીમાં નહીં પરંતુ દેશના જુદા જુદા સરહદી સહિતના ભાગોમાં રાઇઝિંગ ડેની ઉજવણી કરવા તમામ સલામતી એજન્સીઓને ભલામણ કરી છે. ત્યારે બીએસએફનો દિલ્હી બહાર ત્રીજો રાઇઝિંગ ડે ભુજમાં ઉજવાશે. આ અગાઉના બે વર્ષમાં જોધપુર અને હજારીબાગમાં ઉજવણી કરાઇ હતી. ભુજ આવનારા ઉચ્ચ અધિકારીઓ અને ગુપ્તચર દળો માટે પણ આંતરિક ધોરણે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં જવાનો કે અધિકારીઓની બદલી કે બઢતી ઉપર પરોક્ષ રીતે રોક આવી જશે.
લોકજાગૃતિનો હેતુ: કેટલા હજાર લોકો હોઇ શકે?
સલામતી એજન્સીઓના સ્થાપના દિવસની ગામ શહેરોમાં ઉજવણી કરવાનો એક આશય લોકોમાં સરહદી કાર્યવાહી માટે જાગૃતિ લાવવાનો છે. ભુજમાં આયોજીત પરેડ સમારોહમાં સાંસદ, ધારાસભ્યો ઉપરાંત અગ્રણી નાગરિકો, બ્યૂરોક્રેટ્સ અને આમંત્રિતો મળીને સંભવિત પાંચેક હજાર લોકોને સામેલ કરાય તેમ તૈયારી થતી હોવાનું સુત્રોએ કહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA