અમરેલી, 11 જુલાઈ (હિ.સ.) અમરેલી જીલ્લામાં તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્ષાબંધનનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક રૂપે ઉજવાતો આ તહેવાર લોકો માટે ભાવનાત્મક રીતે ખૂબ મહત્વનો હોય છે. તહેવાર નજીક આવતા આજે બજારોમાં ખાસ કરીને સોની બજારમાં ખરીદીનો ઉમંગ જોવા મળી રહ્યો છે. બહેનો પોતાના ભાઈઓ માટે વિશિષ્ટ રાખડીની પસંદગી કરી રહી છે અને બજાર ખરીદદારોથી ખચાખચ ભરાઈ ગયું છે.
અમરેલી શહેરના જાણીતા વેપારી દર્પન સોનીએ જણાવ્યું કે, અમારી અવેલ નામની શોપમાં હાલ રાખડી ખરીદવા આવેલા ગ્રાહકોની ભારે ભીડ છે. સોના-ચાંદીમાં બનેલી રાખડીઓ ખાસ પસંદ કરવામાં આવી રહી છે. બજારમાં હાલ 500 રૂપિયાથી શરૂ થતાં લઈ ₹25,000 સુધીની રાખડી ઉપલબ્ધ છે. કેટલાક વિઝિટિંગ ગ્રાહકો 50,000 રૂપિયાની સુધીની ખાસ ઓર્ડરવાળી રાખડી પણ ખરીદી રહ્યા છે.
તહેવારનો માહોલ વધી રહ્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેમ છતાં લોકો ભાઈ માટે પ્રેમથી યાદગાર તહેવાર બનાવવા મૂલ્યની ચિંતા કર્યા વગર શોખથી રાખડી ખરીદી રહ્યા છે. અનેક દુકાનો પર નવીન ડિઝાઇનવાળી ગોલ્ડ પ્લેટેડ, રીઅલ ગોલ્ડ, સિલ્વર અને કસ્ટમાઇઝ્ડ રાખડીઓ ઉપલબ્ધ છે.
મહિલાઓ ખાસ કરીને બ્રેસલેટ શૈલીની ગોલ્ડ રાખડી, રુદ્રાક્ષ યુક્ત રાખડી અને નામ તથા ફોટાવાળી કસ્ટમ રાખડી પણ પસંદ કરી રહી છે. અમરેલી સિવાય ગ્રામીણ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ખરીદદારો અહીં આવી રહ્યા છે. કેટલાક વેપારીઓએ તહેવારની ઊજવણીને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને સ્કીમો પણ અમલમાં મૂકી છે.
આમ, રક્ષાબંધનની તૈયારી ઉમંગભેર ચાલી રહી છે અને બહેનોના હાથે ભાઈના હાથ પર બાંધાતી રાખડી પ્રેમના પવિત્ર બંધનનું જીવનંતક સ્મરણ બને એવી ભાવના સાથે બજાર જીવંત બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek