ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત મહાગ્રંથ 'વેદ મંજુષા'નું વિમોચન કર્યું હતું. 'વેદ મંજુષા' ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં 20,348 ઋચાઓ સમાવવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે, તેમાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં વેદની ઋચાઓનો અનુવાદ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈને વેદ વાંચવામાં તકલીફ ન પડે. આ ઉપરાંત દરેક રુચાનો અર્થ અને તેનો સારાંશ પણ આપવામાં આવ્યો છે.
'વેદ મંજુષા'ના વિમોચન અવસરે દિલ્હી વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના સેવા નિવૃત્ત પ્રોફેસર, સાહિત્યકાર અને અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન તથા નીતા પ્રકાશનના, રાકેશ ગુપ્તા તથા રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારત દેશની ધરતી પર જન્મેલા તમામ લોકો વેદોથી પરિચિત હોવા જોઈએ. કારણ કે, વેદ એવા શાસ્ત્રો છે જેનો કોઈ લેખક નથી, તે મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન છે. એવી કોઈ વિદ્યા નથી, જે વેદોમાં ન હોય. વેદો તમામ વિદ્યાના જનક છે.
રાજ્યપાલએ કહ્યું કે, સર્વ સત્યનું મૂળ વેદ છે, પરંતુ આપણે વેદોને ભૂલી ગયા છીએ. ગુજરાતની ભૂમિ પર એક મહાપુરુષ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોના ઉત્થાનનું કાર્ય કર્યું છે. જો તેઓ ના હોત, તો હજારો વર્ષોથી વેદો પર પડેલી ધૂળ દૂર ન થઈ હોત અને આપણને વેદોનો પરિચય ન થયો હોત.
નીતા પ્રકાશન દ્વારા ખૂબ મહાન કાર્ય કરવામાં આવ્યું છે. આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ પૂજ્ય રાધેશ્યામજી ગુપ્તા નથી. પરંતુ, 'વેદ મંજુષા' મહાગ્રંથના માધ્યમથી આ અદ્રશ્ય જ્ઞાનને જનતામાં ફેલાવવાના તેમના મહાન સંકલ્પના કારણે તેઓ અમર બની ગયા છે. તેમણે કરેલું કાર્ય આવનારી પેઢીઓ માટે વરદાન સાબિત થશે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આ મહા ગ્રંથના હિન્દી અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન પોતે પણ એક જીવતો જાગતો જ્ઞાનકોશ છે, તેઓ જ્ઞાનના ભંડાર છે, વેદ અને સાહિત્યના મહાન વિદ્વાન છે. તેમના દ્વારા વેદોના વિશાળ સ્વરૂપને સરળ બનાવવામાં આવ્યું છે. લોકો વેદોને હિન્દી અને અંગ્રેજીમાં સરળતાથી સમજી શકે તેવી વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
રાજ્યપાલએ પુસ્તક 'રાષ્ટ્ર મંજુષા' નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પુસ્તક હું બે દિવસ વાંચતો રહ્યો, જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ જ્ઞાનનો ખજાનો ખૂલતો ગયો.
આ પ્રસંગે પ્રોફેસર ડૉ. પૂરણ ચંદ ટંડને જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્ય કરવામાં લગભગ ૧૮ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પરંતુ મને ગર્વ છે કે, આપણા દેશ, સંસ્કૃતિ અને ભારતીયતા માટે કંઈક કર્યું છે. ભલે જેટલો પણ ખર્ચ થાય પરંતુ'ન ભૂતો ન ભવિષ્યતિ' તેવું સીમાચિહ્નનરૂપ પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું નીતા પ્રકાશનના સ્થાપક રાધેશ્યામ ગુપ્તાજીનું સ્વપ્ન હતું. આ ગ્રંથના પ્રકાશન પહેલાં તેમનું દુઃખદ અવસાન થયું. રાધેશ્યામજીના પત્ની શાંતિ દેવીજીનું સ્વપ્ન તેમના પતિના સ્વપ્નને પૂર્ણ કરવાનું હતું. માટે રાધેશ્યામ ગુપ્તાજીના પુત્ર રાકેશ ગુપ્તા સાથે મળીને આ કાર્ય પૂર્ણ કર્યું. ભારતમાં આવું કોઈ પ્રકાશન કે પુસ્તક નથી, તેમ જણાવી તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલ એ નીતા પ્રકાશનના રાકેશ ગુપ્તા અને પ્રોફેસર ડૉ. પુરણ ચંદ ટંડનનું સન્માન કર્યું હતું.
આ પુસ્તક, આ શ્રેણી, આખી દુનિયા સુધી પહોંચે, જેથી વિદેશના લોકોને પણ ભારતની ભવ્ય સંસ્કૃતિનો ખ્યાલ આવે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ