ભુજ-કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં બોગસ દસ્તાવેજો બનાવવા અસામાજિક તત્વોને રોકવા માટે રાપરના પૂર્વ ધારાસભ્યે જાગૃત થવા હાકલ કરી છે. જો કોઇ અધિકારી કે કર્મચારી પણ તેમાં સંડોવાયેલા હોય તો જિલ્લા તંત્ર દ્વારા તેની સામે પગલા ભરવા અજણાવ્યું છે.
રાપરના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પંકજ મહેતાએ શંકા વ્યકત કરીને રાપર, અંજાર, ગાંધીધામ, ભચાઉ જેવા શહેરોમાં બોગસ દસ્તાવેજો માટે અસમાજિક તત્વોની ટોળકી સક્રીય બની છે. તેમની પાસે અરજદારો દ્વારા આવેલી રજૂઆતોના પગલે તેમણે કહ્યું હતું કે, કચ્છ બહાર રહેતા લોકોની જમીનો, મકાનો પડાવી લેવાના બદઇરાદે આવી ટોળકી બોગસ દસ્તાવેજોના કારસ્તાન કરી શકે છે.
જો મહેસુલી વિભાગના કે અન્ય કોઇ અધિકારીઓ પણ તેમાં સામેલ હોય તો તેની સામે પણ પગલાં ભરવા હિતાવહ છે. રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સચોટ રીતે થાય અને કોઇને અન્યાય ન થાય તેના માટે પણ મહેતાએ ભાર મૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA