પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં આભ ફાટ્યું છે ત્યારે મનપા થીગડાં મારતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસે પણ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. અને તંત્ર સુધી ઉગ્ર રજૂઆતોની ખાતરી આપવામાં આવી રહી છે. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલી વિવિધ સોસાયટીમાં હજુ પણ વરસાદના વિરામ બાદ પણ અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરી ને લાઈટ, પીવાના પાણી અને રસ્તાના લેવાલિંગની સમસ્યા જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રેસની ટિમ દ્વારા આજે શીતલપાર્ક વિસ્તારની મુલાકાત દરમિયાન લોકોએ કોંગ્રેસને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રસ્તાનું લેવાલિંગ,સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આ વિસ્તારને મળતી નથી.આ બાબતે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ તેઓને આ સુવિધા મળતી નથી. ત્યારે કોંગ્રેસે મીડિયાના માધ્યમથી મનપા અને પોરબંદરના ભાજપના નેતાઓ વિરુદ્ધ સણસણતા પ્રહારો કર્યા હતા.
જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રામભાઈ મારુએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પોરબંદરના નેતાઓની અણઆવડતને કારણે શહેરની ગ્રામપંચાયત કરતા પણ વધુ બદતર હાલત બની છે. પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી ત્યારે પોરબંદર વિકાસ તરફ નહિ પણ વિનાશ તરફ જઈ રહ્યું છે. આ મુલાકાત દરમ્યાન રાજુભાઈ ઓડેદરા સહિતના આગેવાનો પણ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya