પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં એમ.પી.એડ. કોર્સના પ્રવેશ દરમિયાન 90:10ના નિયમનો ભંગ થયો હોવાનો આરોપ ઉઠતાં વિવાદ સર્જાયો છે. પ્રવેશ નીતિ મુજબ 90% બેઠકો સ્થાનિક તથા 10% બહારના વિદ્યાર્થીઓ માટે રાખવાનું છે, પરંતુ હાલની પ્રવેશ યાદી ઉલટી જોવા મળી છે.
વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે 90% બહારના અને માત્ર 10% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેના કારણે આશરે 40 સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો નથી. આ અંગે વિદ્યાર્થીઓએ કુલપતિ કાર્યાલયે રજૂઆત કરી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા માંગ કરી છે.
રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ વિદ્યાર્થીઓની ફરિયાદ સ્વીકારી છે અને ખામી માન્ય કરી છે. તેમણે વિશ્વાસ આપ્યો છે કે નવી પ્રોવિઝનલ મેરિટ યાદી તૈયાર થશે, જેમાં 90:10ના ગુણોત્તરનું પાલન થશે. સાથે જ બેઠકો વધારવાની દિશામાં પણ પ્રયાસ થઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર