સુરત, 15 જુલાઈ (હિ.સ.)- કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત-સુરત અને એપેરલ ટ્રેનિંગ એન્ડ ડિઝાઇન સેન્ટર (ATDC)- સુરતના સંયુક્ત ઉપક્રમે ATDC ખાતે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. યુવાનોને કુશળતા અભ્યાસ અને કારકિર્દી વિકાસ તરફ પ્રેરિત કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ATDC કેન્દ્રના તાલીમાર્થીઓએ સ્કીલ ડેવલપમેન્ટ, સ્કીલ ડેમોન્સ્ટ્રેશન, કરિયર ગાઇડન્સ સત્રો અને પેનલ ચર્ચા યોજાયા હતા.
આ પ્રસંગે નાયસા (NYSA) ના ડિરેક્ટર નરેશ શાહે જણાવ્યું કે, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ” એ માત્ર ઉજવણી નહીં, પરંતુ યુવાનોને શક્તિશાળી બનાવવાનું માધ્યમ છે. યુવાનોને કુશળ કરવા એ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે જરૂરી છે. માય ભારત-સુરત અને ATDC સુરત જેવા સંસ્થાઓ દ્વારા યોજાતા આવા કાર્યક્રમો ભારતીય યુવાનોના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આધુનિક યુગમાં ઇનોવેટિવ તાલીમ પદ્ધતિઓ અને ઉદ્યોગ સાથે જોડાણથી યુવાનો વ્યવસાયિક રીતે સક્ષમ બને છે. શ્રેષ્ઠ વિજેતા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કારો એનાયત કરાયા હતા.
માય ભારત સુરતના જિલા યુવા અધિકારી સચિન શર્મા તેમજ ATDC સેન્ટરના આસિ. રિજનલ મેનેજર તૃપ્તિ મહાડીકના માર્ગદર્શન હેઠળ ATDC સેન્ટરના ઇન્સ્ટ્રકટર માનસી વિરડીયા, નિશા ઘોઘારી તેમજ માય ભારત-સુરતના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક જૈવિક રૈયાણીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે