જૂનાગઢ 17 જુલાઈ (હિ.સ.) રાજ્યમાં બનતા વિવિધ ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધ્યું હોય, આવા ગુન્હાઓમાં વપરાયેલા અથવા વપરાય ગયેલા મોબાઇલ ફોનના ઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવે છે.
ઘણી વખત મોબાઇલ ફોનના વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ કે લેપટોપ ખરીદેલા હોય છે. જે મોબાઇલ/ લેપટોપ વેચનાર/ ખરીદનારને ચોરાયેલા અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. જેથી ગુન્હાઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી.
આરોપીને પકડી પાડવા તેમજ મોબાઇલ/ લેપટોપ ચોરીના ગુન્હાઓને અટકાવી શકાય અને ગુન્હાઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે જુના મોબાઇલના વપરાશકારોએ મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી છે. આથી જુના મોબાઇલ ફોન/ લેપટોપના લે- વેચનો વ્યવસાય કરતા વિક્રેતાઓએ મોબાઇલ/ લેપટોપ લેતા અગાઉ મોબાઇલ/ લેપટોપ વેંચનારનું નામ, સરનામું નોંધવું ફરજિયાત છે.
તેથી જૂનાગઢ જિલ્લાના તમામ જુના મોબાઇલ/ લેપટોપ વેંચતા ખરીદતા અગાઉ નિયત રજીસ્ટરર નિભાવવું જરૂરી છે. જૂનાગઢ જિલ્લામાં મોબાઇલ ફોનના લેનાર અને વેચાણ કરનાર દુકાનધારકો/ વેપારીઓએ ખરીદનાર કે વેંચનારની સાચી માહિતી અને વિગતો મળી રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ, જૂનાગઢ જિલ્લા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર મોબાઇલ ફોન/ લેપટોપ લેનાર અને વેંચનારની વિગતો માટે ઓળખકાર્ડ વિના મોબાઇલ ફોન/ લેપટોપ લઇ કે વેંચી શકશે નહીં. વેપારીઓએ મોબાઇલ/ લેપટોપ કંપનની વિગત, આઇ.એમ.ઇ.આઇ. અને સિરીયલ નંબર, મોબાઇલ/ લેપટોપ વેંચનાર કે ખરીદનારનું નામ- સરનામું અને આઇ.ડી.પ્રુફની તમામ વિગતો સાથે રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ ઉપરાંત આ રજીસ્ટરમાં મોડેલ નંબર, બિલ નંબર તારીખ સાથે અને ખરીદીની કે વેંચાણની તારીખ પણ નોંધવાની રહેશે.
આ ઉપરાંત મોબાઈલ કે લેપટોપ રીપેરીંગ માટે દેવા આવતા વ્યક્તિઓના નામ સરનામાં અને મોબાઈલ નંબરની વિગતો નોંધવાની રહેશે. રીપેરીંગ માટે દેવા લેવા આવનાર વ્યક્તિની સહી, નામ, તારીખ પણ લખવાની રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નિયમ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ