પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : રાધનપુરના રામનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય કાનજીભાઈ પાંચાભાઈ ઠાકોરે વારાહી ગામની જૂની કોર્ટ બિલ્ડિંગની નીચે આવેલી ઓફિસના ચેમ્બરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કાનજીભાઈ રાધનપુરના જાણીતા એડવોકેટ લખુભાઈ ઠાકોરના નાના ભાઈ હતા.
કાનજીભાઈએ ગઈકાલે બપોરે એક વાગ્યાથી સાંજે આઠ વાગ્યાની વચ્ચે જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતા તરત જ વારાહી પીએસઆઈ યોગેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કાનજીભાઈના મૃતદેહ મળ્યા બાદ તેમના મોટા ભાઈ લખુભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને તમામ સંજોગોની જાણકારી એકઠી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર