પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : અમરનાથ યાત્રા 2025નો પ્રારંભ થતાં પાટણના નગરલીમડી વિસ્તારના 12 યુવા શ્રદ્ધાળુઓ આજે સિદ્ધપુરથી જમ્મુ તરફ ટ્રેન દ્વારા રવાના થયા છે. આ યાત્રાળુઓ 3 જુલાઈએ જમ્મુ તવી પહોંચશે અને 6 જુલાઈએ પહેલગામથી બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રા શરૂ કરશે.
હર હર મહાદેવના નાદ સાથે રવાના થયેલા યાત્રાળુઓમાં નીલ પટેલ, ઋત્વિક પટેલ, પાર્થ પટેલ, પ્રેયશ પટેલ, ડેનિસ પટેલ, પૃથ્વિક પટેલ, મોહિત પટેલ, હેત પટેલ, વિરલ પટેલ, અમિત પટેલ, મન પટેલ અને પ્રતીક પટેલનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓએ વડીલો પાસેથી આશીર્વાદ મેળવી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી છે.
આ યાત્રા કુલ 38 દિવસ સુધી, એટલે કે 9 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. યાત્રાળુઓ માટે બે રૂટ ઉપલબ્ધ છે – પહેલગામ બેઝ કેમ્પ અને બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા સુધી. પાટણના ધાર્મિક વર્તુળોમાં પણ આ યાત્રા બદલ હર્ષ અને ઉત્સાહનો માહોલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર