સુરત, 2 જુલાઈ (હિ.સ.)- શહેરના પાસોદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને ઠગબાજ વ્યક્તિ ભેટી ગયો હતો. રત્નકલાકાર જે સોસાયટીમાં રહે છે એ જ સોસાયટીના એપાર્ટમેન્ટમાં તેમને ફ્લેટ અપાવવાની લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 8.10 લાખ પચાવી પાડ્યા હતા. જોકે ત્યારબાદ એક પણ રૂપિયો પરત નહીં આપી અને ફ્લેટ પણ નહીં અપાવી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર રત્નકલાકારે આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં પાસોદરા વિસ્તારમાં આવેલ ઓમ ટાઉનશીપ વિભાગ પાંચમાં રહેતા વિઠ્ઠલભાઈ કલ્યાણભાઈ વાગડીયા રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ 2024 માં પુણાગામ કારગિલ ચોક ગુરુકૃપા સોસાયટીમાં રહેતા વિજયભાઈ વલ્લભભાઈ ઉનાગર ના સંપર્કમાં આવ્યા હતા. વિજયભાઈએ વિઠ્ઠલભાઈને ઓમ ટાઉનશિપમાં જ એક ફ્લેટ અપાવવાની વાત કરી હતી. જેથી વિઠ્ઠલભાઈ તેમની વાતોમાં ભોળવાઇ ગયા હતા અને ફ્લેટની ખરીદી માટે તૈયારી બતાવી હતી. જેથી વિજયભાઈએ ઓમ ટાઉનશીપમાં જી2 માં એ 31 નંબરનો ફ્લેટ અપાવવાના બહાને ટુકડે ટુકડે તેમની પાસેથી રૂપિયા 8.10 લાખ પચાવી પડ્યા હતા. જોકે ત્યારબાદ ફ્લેટ પણ નહીં અપાવી અને પૈસા પણ ચાઉં કરી હાથ ઊંચા કરી લેતા ભોગ બનનાર વિઠ્ઠલભાઈએ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે