સુરત, 2 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી. આ દરમિયાન અનેક લોકોના મોબાઈલ, પર્સ અને સોનાની ચેઈન ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આ દરમિયાન અડાજણમાં એક વૃદ્ધાએ પોતાની રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધા ભગવાન જગન્નાથના રથયાત્રાના દર્શન માટે ગઈ હતી. ત્યારે કોઈ અજાણ્યા ઇસમે ભીડનો લાભ ઉઠાવી તેમની સોનાની ચેઈન ચોરી કરી લીધી હતી. જેથી પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન સ્કૂલ પાસે આવેલ વેસ્ટન એવન્યુ માં રહેતા બાલચંદ ભલાવતની 66 વર્ષીય પત્ની લાડબેને અડાજણ પોલીસ મથકમાં રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. જેમાં લાડબેને જણાવ્યું હતું કે ગત તારીખ 27/6/2024 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અને આ રથયાત્રા અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસેથી પસાર થવાની હોવાથી તેઓ સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ભગવાનના દર્શન માટે ઊભા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ભીડનો લાભ ઉઠાવી તેમની રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી બનાવને પગલે લાડબેને ગતરોજ અડાજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે રૂપિયા 45,000 ની સોનાની ચેઈન ચોરાયાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે