પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની સેવા સહકારી મંડળીમાં રૂ.3.39 કરોડની મોટી ઉચાપતનો પર્દાફાશ થયો છે. આ મામલે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના લિક્વિડેટર શંકરલાલ પટેલની ફરિયાદના આધારે સરસ્વતી પોલીસ મથકે મંડળીના પૂર્વ પ્રમુખ સહિત 14 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન પ્રમુખ રાજાભાઈ ઠાકોરે 2012થી 2014 દરમિયાન KCC અંતર્ગત લીધેલી ખેતી પાકધિરાણની રકમ 2019 સુધી પરત નહીં કરી હોય અને તે પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા. આ કૌભાંડ 5 ઓક્ટોબર 2019ના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ રાજાભાઈએ પોતાના પુત્ર ચિનાજી ઠાકોર અને અન્ય પાંચને મંડળીમાં નિમ્યા હતા.
2019-20 અને 2020-21 દરમિયાન બેંકના સાત અધિકારીઓએ પણ ખોટા હિસાબો અને રેકોર્ડ ઊભા કરી રૂ.1.92 કરોડની કાયમી શિલક ઉચાપત કરી હતી. તેમણે ધિરાણ અપાવે તે માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં IPC કલમ 420, 409, 406, 467, 468, 466, 471, 120B અને 144 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર