વન્યપ્રાણી દ્વારા, માનવ ઇજા/મૃત્યુના બનાવો અટકાવવાની તકેદારી રાખવા જરૂરી સુચનો .
જૂનાગઢ, 2 જુલાઈ (હિ.સ.) વન્યપ્રાણી દ્વારા વધતા જતા માનવ ઇજાના બનાવો ધ્યાને લઇ ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ દ્વારા ઇજા અટકાવવા માટે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવી છે. માલ ઢોરને દેખરેખ હેઠળ જ ચલાવવા અને સુરક્ષિત છોડવા નહીં, મોડી સાંજે અંધકારમાં માલ ઢો
વન્યપ્રાણી દ્વારા, માનવ ઇજા/મૃત્યુના બનાવો અટકાવવાની તકેદારી રાખવા જરૂરી સુચનો .


જૂનાગઢ, 2 જુલાઈ (હિ.સ.) વન્યપ્રાણી દ્વારા વધતા જતા માનવ ઇજાના બનાવો ધ્યાને લઇ ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ દ્વારા ઇજા અટકાવવા માટે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવી છે. માલ ઢોરને દેખરેખ હેઠળ જ ચલાવવા અને સુરક્ષિત છોડવા નહીં, મોડી સાંજે અંધકારમાં માલ ઢોરને નિરણ પુળો કરવા કરતા દિવસ દરમિયાન આવી કામગીરીઓ પૂરી કરવી.

ઘર રહેણાંકની આસપાસ ઉગી નીકળેલ બિનજરૂરી ઝાડીઝાંખરા તથા અન્ય કુદરતી વનસ્પતિઓ દૂર કરી વિસ્તારને ચોખ્ખો રાખવો તથા મરઘા, કુતરા જેવા પાલતુ પ્રાણીઓ ઘરથી દૂર રાખવા. માંસાહારના કિસ્સામાં બાદમાં વધેલો ખોરાક/હાંડકા વગેરે ઘરની બહાર ન નાખવો, તેવા માંસાહારી ખોરાકથી વન્ય પ્રાણીઓ આકર્ષાઈને હુમલો કરી શકે છે.

ઘરની આસપાસની જગ્યાઓને રાત્રે દરમિયાન લાઈટથી પ્રકાશિત રાખવી તથા રાત્રિ દરમિયાન ઘરની ઓસરી કે ફળિયામાં સૂવાનું ટાળી સુરક્ષિત જગ્યાએ સૂવાનું રાખવું તથા વાડી વિસ્તારમાં વસતી મહિલાઓએ સેઢેપાળે ખુલ્લામાં રાત્રિના સમયે, સમી સાંજે ન્હાવા, કપડાં ધોવા, વાસણ ધોવા, માથું ધોવા બેસવું નહીં. રાત્રે કુદરતી હાજત માટે શૌચાલયનો જે ઉપયોગ કરવો તથા રાત્રિ/વહેલી સવાર/મોડી સાંજ દરમિયાન બહાર ખુલ્લામાં શૌચ કરવાનુ ટાળવું તથા અંધકારમાં અંધકારમાં ક્યારેય પણ ખુણેખાચરે શૌચ ક્રિયાઓ માટે બેસવું નહીં આવા કિસ્સાઓમાં વન્ય પ્રાણીઓના હુમલાઓની શક્યતા વધી જાય છે.

વાડી વિસ્તાર, ગામમાં, ચોકમાં ખાસ કરીને રાત્રે, વહેલી સવાર, મોડી સાંજ દરમિયાન બાળકોને રમવા માટે ક્યારેય પણ એકલા ન મૂકો આપની દેખરેખ હેઠળ જ રમાડો તથા સાંજના સમયે શાળાએથી ઘરે પરત આવતા બાળકોને નિર્જન રસ્તા પર એકલા મૂકવા નહી.

રાત્રિના સમયે ક્યારે પણ જંગલ વિસ્તારની આજુબાજુ આવેલ વાડી વિસ્તારમાં એકલા જવું નહીં તેને બદલે બે થી ત્રણ વ્યક્તિઓએ સાથે સમૂહમાં જવાનો અગ્રહ રાખો તથા અવરજવરમાં સાથે ટોર્ચ અને લાકડી રાખવી

રાત્રિના સમયે ના છૂટકે એકલા જવું પડે તો જતી વખતે અવાજ કરવો, વાતો કરવી, ગીતો વગાડવા, ઘોંઘાટ કરતા જવું, બતી ચાલુ રાખીને ચાલવું જેથી ઘોંઘાટ સાંભળીને વન્યપ્રાણી દૂર જતું રહે અને વન્યપ્રાણીને આપણી હાજરીની ખબર પડે છે અને તે આપણાથી દૂર ચાલ્યા જાય છે.

રાત્રિના સમયે ખેતરમાં ખુલ્લામાં નીચે ન સૂવું તથા મંચાણ પર સૂતી વખતે આજુબાજુમા તાપણું ચાલુ રાખવું તથા કોઈ વન્યપ્રાણી મંચાણ ઉપર ચડી શકે તેવી સીડી કે ટેકાઓ હોય તો હટાવી લેવા.

જો તમારી સામે અથવા રહેણાક વિસ્તારમાં અચાનક કોઈ વન્ય પ્રાણી આવી જાય તો ગભરાઈને દોડધામ કરવી નહીં અને પરિવારજનો અને મિત્રોને સુરક્ષિત સ્થળે રાખ્યા બાદ સત્વરે વન વિભાગને જાણ કરવી.

આપણા રહેણા વિસ્તારની આસપાસ કોઈ અવાવરું જગ્યા, બાંધકામ કે ઘર હોય તો સક્ષમ સત્તા પાસેથી દૂર કરાવવું. રોડની બાજુમાં, શેરીના નાકે સાંજે-મોડી રાત્રે ઉભી રહેતી નોનવેજની લારી-દુકાનો માંથી નીકળતો કચરો યોગ્ય રીતે દૂર કરવો.

રહેણાંક વિસ્તારની નજીક મરેલા માલઢોરના શબ નાખવા કે નખાવવા નહી. આપના ગામમાં જો આવી કોઈ જગ્યા હોય તો લાગુ પંચાયત દ્વારા ચોખ્ખાઈ કરાવવી તેમજ બિનજરૂરી ઝાડીઝાંખરાનો યોગ્ય નિકાલ કરવો.

વન્ય પ્રાણીઓને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તાત્કાલિક આપના ગામના સરપંચ મારફત વન્ય પ્રાણી મિત્ર, વનરક્ષક, ફોરેસ્ટરને જાણ કરવી. તેમ નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગ જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande