પાટણ, 2 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના મેળોજ (પટેલ ફાર્મ) ગામમાં 2 જાન્યુઆરી 2025ના રોજ બે શંકર ગાયોના શંકાસ્પદ મોતની ઘટના બની છે. ગાયોના માલિક અશોકજી દલસંગજી ઠાકોરે એ મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અશોકજીએ રાત્રે પોતાના ઘર પાસે લીમડા નીચે ગાયો અને ભેંસો માટે ખાણ પલાળી રાખી હતી, જે સવારે છ વાગ્યે ખવડાવવામાં આવ્યું હતું. ખાણ ખાધા બાદ બે શંકર ગાયાઓના મોત થયા હતા. વેટરનરી ડોક્ટરે પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગાયોના આંતરિક અંગોને FSL લેબ, અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
FSL રિપોર્ટમાં ખાણમાં 'ફોરેટ' નામના ઓર્ગેનો ફોસ્ફરસ પ્રકારના ઝેરી તત્ત્વની હાજરી નોંધાઈ હતી. મૃત ગાયોની અંદાજિત કિંમત ₹80,000 છે. અશોકજીના મતે, કોઈ અજાણ્યા શખ્સે ઈરાદાપૂર્વક ખાણમાં ઝેર ભેળવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર