બોટાદ 24 જુલાઈ (હિ.સ.) બોટાદ જિલ્લામાં આવનારા દિવસોમાં યોજાનાર શક્તિ કેન્દ્ર સંયોજક અભ્યાસ વર્ગને સફળ બનાવવાના હેતુસર આજે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા એકમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બોટાદના પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી જેમાં વિવિધ મંડળોના હોદેદારો, કાર્યકર્તાઓ તથા સંઘટનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકની અધ્યક્ષતા બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલે કરી હતી. તેઓએ અભ્યાસ વર્ગના આયોજન, વ્યવસ્થાપન અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વર્ગ વાલી હર્ષદભાઈ દવે દ્વારા પણ સંયોજકોને પ્રેરણાદાયી ભાષણ આપીને આગામી અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓની વિશાળ સંખ્યા જોડાય તેવા પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રીઓએ પણ હાજરી આપી મંડળપ્રમુખો અને મહામંત્રીઓ સાથે અભ્યાસ વર્ગ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરેક શક્તિ કેન્દ્ર સુધી કાર્યકર્તાઓ પહોંચે અને અભ્યાસ વર્ગમાં સહભાગી બને તે માટે માઈક્રોપ્લાનિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં એવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી કે આવનારો અભ્યાસ વર્ગ નવો ઉર્જાસ્રોત પુરો પાડશે અને 2024ના ટાર્ગેટ માટે સંગઠનને વધુ મજબૂત બનાવશે. અંતે ભાજપના કાર્યકર્તાઓએ અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે પોતાની સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai