પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલી દશામા શક્તિપીઠ ખાતે શ્રાવણ વદ અમાસથી દશ દિવસીય દશામા વ્રતનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુ ભક્તો અને મહિલાઓ મંદિરની મુલાકાતે ઉમટી પડ્યા હતા. પૂજારી શૈલેષભાઈ રાવલના જણાવ્યા અનુસાર, દશામાના વ્રતથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
વ્રતધારી મહિલાઓએ પોતાના ઘરે બાજોઠ પર લાલ કાપડ પર દશામાની મૂર્તિની સ્થાપના કરી હતી. માથે કળશ સ્થાપિત કરી તેમાં આસોપાલવના પાંચ પાન મૂકાયા હતા અને સૂતરના દસ તાંતણાની દસ ગાંઠ વાળી દોરી બાંધી પૂજન વિધિ કરવામાં આવી હતી.મૂર્તિ પર કંકુ, અબીલ-ગુલાલ અને શ્રીફળ અર્પણ કરીને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી.
દશ દિવસીય આ વ્રત દરમિયાન દશામા શક્તિપીઠ નજીકના મેદાનમાં મેળાનું આયોજન પણ કરાયું છે. વ્રતના અંતિમ દિવસે માતાજીની મહાઆરતી થશે. મંદિર પરિસરમાં વિવિધ આરતી દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પાટણ શહેર ભક્તિમય વાતાવરણમાં દશામાના વ્રતના પાવન અવસરે ડૂબકી લગાવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર