સુરત, 24 જુલાઈ (હિ.સ.)- સુરતના વરાછા વિસ્તારમાં નકલી તમાકુ બનાવવાનું ગેરકાયદેસર કારખાનું ઝડપાયું છે. એલએચ રોડ પર તિરૂપતિનગર સોસાયટીમાં આવેલા એક ભાડાના મકાનમાંથી એલસીબી ઝોન-1ની ટીમે કાર્યવાહી કરી છે.
કારખાનામાંથી બાગબાન ટોબેકોની 15,100 નકલી પડીકી, લૂઝ તમાકુની 10 કિલોની 6 કોથળી, પેકિંગ માટેના 3 સિલ્વર પ્લાસ્ટિક રોલ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો અને પેકિંગ મશીન સહિત કુલ ₹2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મકાન હર્ષદ દલસુખ કાછડીયા (ઉમર 35, રહે. રામચોક, મોટા વરાછા, મૂળ. નેસડીગામ, અમરેલી) દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું. અહીં સાડી પર સ્ટોન કામ કરવાની ધોળીમાં તે નકલી તમાકુ બનાવી રહ્યો હતો.
આરોપી નકલી ટોબેકો વરાછા, કાપોદ્રા, સરથાણા, અમરોલી અને કામરેજ સહિતના વિસ્તારોના ગલ્લાવાળાઓને રૂ. 2.50માં આપતો હતો, અને દુકાનદારો તેને રૂ. 5માં વેચતા હતા. એક પેકી પર તેમને ~100% નફો મળતો હતો.
ટોબેકો કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે