પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : આવતિકાલ શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થવા જઇ રહ્યો છે, ત્યારે પાટણમા શિવભક્તિનો માહોલ જોવા મળે છે. આ માસ દરમિયાન પાટણ શહેર અને જિલ્લામાં ભક્તો શિવલિંગ પર જળ, દુધ, ચંદન અને પંચામૃતથી અભિષેક કરશે. કેટલાક મંદિરોમાં ગંગાજળથી પણ અભિષેક કરવામાં આવશે. સવારે રૂદ્રાભિષેક અને અખંડ દીવો પ્રજ્વલિત કરવાનો લાભ ભક્તો લેશે.
પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, બાગેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ અને દૂધેશ્વર મહાદેવ મંદિરોમાં શિવભક્તો ઉમટી પડશે. સિદ્ધપુરના અડવેશ્વર મહાદેવ, બ્રહ્માડેશ્વર મહાદેવ અને સાંતલપુરના આલુવાસ ગામના ચંડેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિશેષ પૂજાઓ યોજાશે.
દર સોમવારે શિવમંદિરોમાં શણગારદાર આંગી કરવામાં આવશે. ભક્તો બિલીપત્ર, ફળ, ફૂલ અને પંચામૃત અર્પણ કરીને ભગવાન શિવની આરાધના કરશે. આ સમયગાળામાં ઘણા ભક્તો ઉપવાસ અને એકટાણાં રાખશે. આધિ-વ્યાધિથી મુક્તિ માટે શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક શિવભક્તિમાં લિન થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર