સુરત, 24 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી મશરુ ગેંગ ઝડપાયા બાદ એક પછી એક ગુનાઓ તેમની વિરુદ્ધ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ગતરોજ પણ વધુ એક ગુનો લસકાણા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ તેમને એલફેલ ગાળો આપી માર મારી તેમની પાસેથી રૂપિયા 3.43 લાખની લૂંટ કરી હતી. હાલ તો વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મશરૂ ગેંગના કુલ નવ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, લસકાણા વિસ્તારમાં રહેતા વેપારી ને મળવા માટે સરથાણા વાલક ગામ તરફ જતા રોડના પાટીયા ઉપર બોલાવી ધર્મિષ્ઠા વલુ ઉર્ફે રૂપા રાખોલીયા એ તેને પોતાની સાથે વાતોમાં ભોળવી તેની સાથેના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ધર્મિષ્ઠા વલુ ઉર્ફે રૂપા તથા મશરૂ ગેંગના સભ્યો જેમાં અમિતભાઈ મશરૂ, સુમિતભાઈ મશરૂ, અલ્પેશભાઈ પટેલ, જે.ડી.પટેલ, નિકુલ સોલંકી, દિવ્યા મશરૂ, ગોપી સાંગાણી અને એક અજાણ્યો ઈસમ (તમામ રહે.સુરત) એ સાથે મળી વેપારીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું અને તેમની પાસે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. જો વેપારી રૂપિયા દસ લાખ નહીં આપે તો તેને હનીટ્રેપમાં ફસાવી દેવાની બળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. જેથી આખરે ગભરાઈ ગયેલા વેપારી પાસેથી ગેંગે કુલ રૂપિયા 3.43 લાખ પચાવી પાડ્યા હતા. વેપારીને એલફેલ ગાળો આપી માર મારી ધમકી આપી હતી. જેથી આખરે જે તે સમયે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ આરોપીઓ પકડાયા બાદ વેપારીની પણ હિંમત ખુલતા તેમણે ગતરોજ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ નવ આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે