ભુજ - કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) : કચ્છની મુલાકાતે આવેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લોકાર્પણ ઉપરાંત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાં કરાયેલી કામગીરીની નોંધ લીધી હતી. તેમણે ડ્રગ્સના દૂષણને નાથવા માટે હિમાયત કરીને અત્યાર સુધી પકડાયેલો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાવ્યો હતો. કચ્છના શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતેથી ગૃહરાજ્યમંત્રીના હસ્તે પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ ઇમારતોના કુલ રૂ.1982 લાખથી વધુના ખાતમૂહુર્ત અને લોકાર્પણ સંપન્ન થયા હતા. ગુરુવારે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદે બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા.
હાજીપીર, ધોરડો, બાલાસરમાં પોલીસ સ્ટેશન કાર્યરત થશે
સરહદી સુરક્ષાના સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે. સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. ડ્રગ્સના દૂષણને ખત્મ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરીણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે.
કચ્છમાં 675 દબાણો દૂર કરાયા
કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઈવ વિષે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો, પોર્ટ વિસ્તારો અને ગામડાઓના 675થી વધુ એકરના દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે.
વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા પોલીસનો સંપર્ક કરવા ઇજન
કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે. વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
બોર્ડર રેન્જ પોલીસની કામગીરી બિરદાવાઇ
રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખચેન જીવન વ્યતિત કરે તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીએ રેન્જ આઇજી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA