પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણના તિરૂપતિ બંગલોઝમાં રહેતા પ્રશાંત ગોવિંદરામ ઠક્કરના આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મૃતકની પત્ની રીટાબેન ઠક્કર અને બે સાળા રાજેશકુમાર તથા ભરતકુમાર અમરતલાલ અખાણીની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે 23 જુલાઈ 2025ના રોજ ફગાવી દીધી છે.
પ્રશાંત ઠક્કરે 9 એપ્રિલ 2025ના રોજ પોતાના ઘરે પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 19 એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેના ભાઈ જયેશભાઈ ઠક્કરે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓએ પાટણ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર થતાં હાઈકોર્ટનો આશરો લીધો હતો. પરંતુ હાઈકોર્ટે ડાઈંગ ડેક્લેરેશન સાથે મળેલા વીડિયો અને ઓડિયો પુરાવાના આધારે તેમની અરજી રદ કરી. ફરિયાદ પક્ષના વકીલ અમિતભાઈ ઠક્કર અને હાઈકોર્ટના વકીલ શ્યામલભાઈ ભીમાણીએ મજબૂત સોગંદનામું રજૂ કર્યું હતું. હવે પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર