ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : યુવાનો એ અનેકવિધ પ્રવૃતિઓ કરી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વ વિદ્યાલયના એન.એસ.એસ. વિભાગ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શાહિદ જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ સમગ્ર અઘોષિત યુદ્ધ બાબતે પ્રેઝન્ટેશનનું સ્કીટ, દેશભક્તિ ગીત, ક્વીઝ વકતૃત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે શહીદોના વિવિધ પ્રસંગો યાદકરી શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS ના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.સાંપ્રત સમયમાં જ્યારે યુવાધન વિવિધ ઉજવણીઓ ઉજવવામાં વ્યસ્ત છે. ત્યારે ઉપરોક્ત કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એક સૈનિકના જીવન માંથી પ્રેરણા લઈ શિસ્ત અને ધ્યેય માટેની કર્તવ્ય પરાયણતા શીખવા માર્ગદર્શન મળ્યું હતું.શહીદોના અનેક પ્રસંગો અને તેના થકી જ અખંડ ભારતની પરિકલ્પના તેમજ ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ ચોક્કસ આવનાર સમયમાં ફળીભૂત થશે તેવો વિશ્વાસ યુવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને અભ્યાસ સાથેસાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો માટે સભાન રહેવા નો અવસર આવા કાર્યક્રમો દ્વારા પ્રાપ્ત થાય છે જેની ખુશી તેઓએ વ્યક્ત કરી હતી.કારગીલ યુદ્ધ,ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા અનેક સંઘર્ષોને વાગોળવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની રાષ્ટ્ર પ્રત્યેની ઊંડી લાગણી સ્પષ્ટ રૂપે જોવા મળતી હતી. અને દેશ માટે કંઈક કરી છુટવાની તત્પરતા બળવત્તર જોવા મળતી હતી. કાર્યક્રમ માં ૨૬ વિદ્યાર્થીઓએ વકતૃત્વ તેમજ પ્રેઝન્ટેશન અને કવિતાઓ રજૂ કરી હતી. તેમજ ૨૧ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનું મેનેજમેન્ટ સંભાળ્યું હતું. ક્વીઝ માં ૫૦ સ્વયંસેવકો એ ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે યુનિવર્સિટીના એન.એસ..એસ. પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્ર રાઠોડ, બીસીએ કોલેજના પ્રોગ્રામ ઓફિસર સાહિસ્તા પઠાણ, હિમાની ગજ્જર, હર્ષિદા પટેલ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ