સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) : શ્રાવણ શુક્લ બીજ પર ભગવન શિવના જ અવતાર એવા, ભક્તશિરોમણી, શક્તિ અને ભક્તિના પ્રતિક શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને ૧૫૫ કિલોગ્રામ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોથી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ નિર્મિત કરવામાં આવી હતી.
હરિ અને હર ના પ્રેમના ઉચ્ચતમ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રામ માટે ભગવાન શિવના સ્વરૂપ હનુમાનજીનું દાસત્વ અને હનુમાનજીની અખંડ ભક્તિ.
ભગવાન હનુમાનજી ભગવાન રામના સદૈવ ભક્ત, અને શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે. આ દિવસ એ યાદ અપાવે છે કે ભગવાનમાં ભેદ નથી. જ્યારે આપણે શ્રી સોમનાથ મહાદેવ સાથે હનુમાનજીનું ઐક્ય દર્શીએ, ત્યારે આપણું અંતઃકરણ પણ એ ભક્તિમાં લીન થાય છે.
ભગવાન સોમનાથ અને હનુમાનજી બંનેના દર્શન કરી ભક્તજનોએ જીવનમાં શાંતિ અને નિસ્વાર્થ ભક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ