ભુજ - કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયેલા જનરલ સર્જરી કેમ્પમાં 20 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. કેમ્પ દરમ્યાન લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા જણાવ્યા હતા. ગાંધીધામ નિષ્ણાત સર્જન ડો. કિશન કટુઆ તથા ડો. સપના કટુઆ દ્વારા દર્દીઓની તપાસ બાદ સર્જરી કરવા યોગ્ય 20 દર્દીનાં ઓપરેશન નવનીત સર્જિકલ ઓપરેશ થિયેટરમાં કરાયાં હતાં, જે પૈકી બે સારણગાંઠ, બે એપેન્ડિક્સ, એક ત્રીના સ્તનમાં ગાંઠ, એક-એક હોઠ-નાક-પગમાં કપાસિયા, આઠ નાની-મોટી ગાંઠ તથા ચાર અન્ય ઓપરેશન ટ્રસ્ટ વતી રાહતદરે કરાવાયાં હતાં.
લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ જણાવાયા
કેમ્પ દરમ્યાન જનરલ તથા લેપ્રોસ્કોપી દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આરોગ્યલક્ષી માર્ગદર્શન સત્ર યોજાયું હોવાનું ડો. કિશન કટુઆએ જણાવ્યું હતું. તેમાં લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, આ પદ્ધતિથી પેટમાં નાનું છિદ્ર કરી સર્જરી કરવામાં આવે છે, જેના કારણે દર્દીને ઓછી પીડા, ઓછું ઇન્ફેક્શન અને ઝડપી સ્વસ્થતા મળે છે. કેમ્પ દરમ્યાન એનેસ્થેટિક ડો. શિવાની દલાલે સેવા આપી હતી. સ્થાનિક ડો. નરોતમ ભાનુશાલી, ડો. દીક્ષિત વેલાણી અને ડો. કનકસિંહ મોરીએ પ્રિ અને પોસ્ટ સર્જરી સંભાળી લીધી હતી. ટ્રસ્ટી શાંતિભાઇ વીરા અને ડો. મયૂર મોતાએ આભારવિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA