મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : ધરોઇ મુખ્ય બંધ વિભાગ નં. 1 ના કાર્યપાલક ઇજનેરશ્રીના જણાવ્યા અનુસાર, આજ રોજ તા. 27/07/2025 ના સવારે 07:00 કલાકે સાબરમતી જળાશય યોજના, ધરોઇમાં પાણીનો જથ્થો 80.53% નોંધાયો છે, જયાં જળ સપાટી 188.00 મીટર (616.79 ફુટ) સુધી પહોંચી છે. હાલના સમયગાળા દરમિયાન ડેમમાં 46,110 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ માસે રૂલ લેવલ 618 ફુટ (188.366 મીટર) નક્કી કરવામાં આવ્યું છે. હાલ સ્રાવક્ષેત્રમાં સારો વરસાદ ચાલુ રહે તેમજ ઉપરવાસમાંથી પણ યોગ્ય માત્રામાં પાણીની આવક થતા જો ચાલુ સ્થિતિ યથાવત રહે, તો ડેમના દરવાજા ખોલવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ધરોઇ ડેમની નીચેના વહેણવાળા વિસ્તારમાં સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા છે.
હાલમાં ડેમ ‘અલર્ટ સ્ટેજ’ પર છે અને આવતા 3 થી 4 કલાકમાં જો પાણીની આવક સતત રહેશે, તો નદીમાં પાણી છોડવાની શક્યતા છે. આમ, નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર તાકીદની કામગીરી અને સતર્કતા રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR