જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂ.2 લાખ ઉપરાંતની છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આરોપીએ રૂનું મશીન અપાવી દેવાના બહાને પોતાનું મકાન ભાડે આપવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી લીધા હતા. બાદમાં બેંકમાંથી લોન મેળવી લીધા બાદ હાથ ખંખેરી લીધા હતા. જે મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દોડતી થઇ છે.
જામનગર સિટી સી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી હીનાબેન વિમલભાઈ ઊંજીયા નામની 35 વર્ષની પરીણીતાએ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ મોહનભાઈ ખોખાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં આરોપીએ બે લાખ પાંચ હજારની છેતરપિંડી કરી હોવાની રાવ કરાઇ છે.
ફરિયાદી મહિલાને રૂનું મશીન અપાવી દેવાના બહાને આરોપી ઘનશ્યામભાઈએ વિશ્વાસમાં લીધા હતા, અને પોતાનું મકાન ભાડે આપેલું છે, તેવા ભાડા કરાર કરી એ સ્થળે શિવ એન્ટરપ્રાઇઝ નામની હીનાબેન ના નામની પેઢી તૈયાર કરી લીધી હતી, અને તેના ડોક્યુમેન્ટ ના આધારે જામનગરની એસ.બી.આઈ. માથી રૂપિયા બે લાખ પાંચ હજારની લોન મેળવી લીધી હતી.
જે લોન ના નાણા પોતે વાપરી નાખ્યા હતા, અને રૂ નું મશીન પણ અપાવ્યું ન હોવાથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT