સુરત, 29 જુલાઈ (હિ.સ.)-શહેરના કતારગામ વિસ્તારમાં સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલ શક્તિ જવેલર્સના માલિકોએ અલગ અલગ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી કરોડો રૂપિયાનું ઉઠામણું કરી ફરાર થઈ ગયા છે. ત્યારે એક પછી એક તેમની સામે ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. કતારગામ પોલીસ મથકમાં એક દિવસ અગાઉ તેમની સામે 39 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ થયા બાદ ગતરોજ વધુ એક રૂપિયા 44.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સાળા બનેવી સામે રૂપિયા 44.35 લાખની વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં રાશિ સર્કલ પાસે આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ જીવરાજભાઈ કાકડીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ તેઓએ કતારગામ પોલીસ મથકમાં અમિતભાઇ દિલિપભાઇ સોની (રહે-બી/704, ગ્રીન આર્કેટ, મધુવન સર્કલ, અડાજણ, પાલ, સુરત) અને તુષારભાઇ દિપકભાઇ રાણિગાં (રહે-સી/204, ગ્રીન આર્કેટ, મધુવન સર્કલ પાસે, અડાજણ, સુરત) સામે રૂપિયા 44.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે સાળા બનેવીએ સાથે મળી ભાગીદારીમાં સિંગણપોર ચાર રસ્તા પાસે શક્તિ જવેલર્સ નામની દુકાન ચાલુ કરી હતી. ત્યારબાદ તેઓએ લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદે લોકોને પોતાની વાતોમાં ભોળવવા માટે એક સ્કીમન જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જુના સોનાના દાગીના ઉપરથી નવા સોનાના દાગીના મજૂરી લીધા વગર બનાવી આપવાની વાત કરી હતી. જેથી લોકો આ સ્કીમમાં ભોળવાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલા જૂના દાગીના શક્તિ જવેલર્સમાં આપી દીધા હતા. જોકે ત્યારબાદ ઠગબાજ અમિત સોની અને તુષાર રાણીંગા એ ભેગા મળી લોકોના જૂના દાગીના લઈ દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેમાં સંજયભાઈ એ પણ પોતાની પાસે રહેલા રૂપિયા 44.35 લાખના જુના દાગીના તેમને નવા દાગીના બનાવવા માટે આપ્યા હતા. જોકે બંને ઠગ બાજ તે દાગીના પણ લઈને પલાયન થઇ જતા સંજયભાઈએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે