ભુજ – કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડવા સાથે તે ગુજરાત પર સીધી આવવાના બદલે રાજસ્થાન તરફ સરકી જતાં આ રાઉન્ડમાં કચ્છમાં ધાર્યા મુજબની મેઘકૃપા ન વરસ્યાનું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની યથાવત્ રાખેલી આગાહી વચ્ચે જિલ્લામાં અંકદરે ધાબડિયો માહોલ જોવા મળ્યો હતો. લોકોને મધ્યમ વરસાદની અપેક્ષા હતી પરંતુ ઝરમરથી સાવ હળવા ઝાપટાં ક્યાંક જ પડ્યા હતા.
સાત દિવસનો જારી થયો હતો વર્તારો
ઉત્તર અને મધ્ય ગુજરાતને સારા વરસાદનો લાભ મળ્યો છે, પણ કચ્છ અને સારાષ્ટ્ર તેમાંથી બાકાત રહી ગયા છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો ચોક્કસથી જોવા મળ્યો છે. વાતાવરણ ધૂધળું બનવા સાથે કેટલાક સ્થળે રસ્તા ભીંજાય તેટલા છાંટા માંડ પડયા છે. હવામાન વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં પ્રથમ ચાર દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જુલાઇમાં શરૂઆતમાં સારો વરસાદ બાદ વિરામ વધ્યો
છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં સેરરાશ રીતે ઓછો વરસાદ વરસ્યો છે. ધાબડિયા માહોલ વચ્ચે જિલ્લામાં સતત ત્રીજા દિવસે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. ભુજ, અંજાર-ગાંધીધામ અને નલિયામાં સરેરાશ 31થી 32 ડિગ્રી નોંધાતાં ગરમી-ઉકળાટમાં મામૂલી રાહત મળી હતી. નોંધનીય છે કે, જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યા બાદના દિવસોમાં વરસાદના વિરામના દિવસો વધુ જોવા મળ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA