ગાંધીનગર, 29 જુલાઈ (હિ.સ.) : માનવ નિર્માણ માટેની પ્રથમ પ્રયોગશાળા પરિવાર છે અને માતા-પિતા તે પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો છે. જો ભાવી પેઢીને આ પ્રયોગશાળામાં સંસ્કારોથી સિંચવામાં આવે, તો તે બાળક ભવિષ્યમાં સમાજ, રાષ્ટ્ર અને માનવતાના કલ્યાણનો આધાર બની શકે છે. આ પ્રેરણાદાયી લાગણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત 'ધન્યોગૃહસ્થાશ્રમ' - યુગલ માર્ગદર્શન કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડૉ. હિતેશ જાની અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, શિક્ષકો અને યુવા દંપતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે મહર્ષિ ચરકની જન્મજયંતિ છે, તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ કહ્યું કે, હજારો વર્ષ પહેલાં આયુર્વેદમાં એવા સંશોધનો થયા હતા, જ્યાં અત્યાર સુધી આજનું વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી. પ્રાચીન ઋષિઓ અને સંતોએ પર્વતો અને જંગલોમાં રહીને ઘણા સંશોધનો કર્યા હતા. તેઓએ માનવો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને જ્ઞાન હતું કે, જો માનવોને ખરેખર 'માનવ' બનાવવામાં આવે, તો પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી શકે તેમ છે. પરંતુ જો માનવતાનો અભાવ હોય તો આ પૃથ્વી નર્ક બની શકે છે.
રાજ્યપાલએ કહ્યું કે, બાળકનું નિર્માણ માતાના ગર્ભથી શરૂ થાય છે. ભારતના ઋષિમુનિઓએ 'સંસ્કાર'ની પ્રક્રિયાને માત્ર એક સામાજિક વિધિ તરીકે નહીં પણ એક વૈજ્ઞાનિક પ્રણાલી તરીકે રજૂ કરી હતી. ગર્ભધારણથી અગ્નિસંસ્કાર સુધીના 16 સંસ્કારોનો ખ્યાલ આપવામાં આવ્યો હતો જેથી માણસ માત્ર શરીરથી જ નહીં પરંતુ ગુણોમાં પણ શ્રેષ્ઠ બને.
તેમણે કહ્યું કે, આજની સમસ્યા એ નથી કે સંસાધનોનો અભાવ છે, પરંતુ સંવેદનશીલતા, સહિષ્ણુતા, કરુણા અને પ્રેમનો અભાવ છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટરો, એન્જિનિયરો, અધિકારીઓ જ નહીં પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ.
તેમણે કહ્યું કે, જેમ સામાન્ય લોખંડ અને પ્લાસ્ટિક વિજ્ઞાનના સ્પર્શથી માઇક્રોફોન જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણમાં પરિવર્તિત થાય છે, તેવી જ રીતે, જો એક સામાન્ય બાળકને માતાપિતા, સમાજ અને શિક્ષણ પ્રણાલી તરફથી યોગ્ય સંસ્કાર મળે, તો તે મહાન માણસ બની શકે છે.
રાજ્યપાલએ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે, આધુનિક યુગના મનો વૈજ્ઞાનીક સિગ્મંડ ફ્રાઈડે સ્વીકાર્યું હતું કે, જ્યારે બાળક તેની માતાના ખોળામાં કોઈપણ ચિંતા કર્યા વિના પોતાના પગનો અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે, ત્યારથી જ તેના વ્યક્તિત્વનું નિર્માણ શરૂ થઈ જાય છે. જ્યારે આપણા ઋષિઓએ તો તેનાથી પણ પહેલાં - બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેને સંસ્કારીત કરવાની પદ્ધતિ વિકસાવી હતી.
રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની કલ્પના કરીને, તેમણે ભારતમાં ભાવિ માનવોના નિર્માણ માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે. આ ફક્ત એક યુનિવર્સિટી નથી, પરંતુ માનવ નિર્માણ માટેની પ્રયોગશાળા છે.
રાજ્યપાલએ કહ્યું કે વિકાસ, વિજ્ઞાન, કારખાનાઓ, રેલ્વે, વિમાન - આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો માનવ જીવન મૂલ્યહીન થઈ જાય, તો આ જ વિકાસ વિનાશનું કારણ બનશે. ડૉક્ટરના હાથમાં છરી જીવન બચાવે છે, જયારે ખૂનીના હાથમાં તે ઘાતક હોય છે. તેવી જ રીતે, વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે તેનો ઉપયોગ સદગુણી અને સમજદાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમસ્યાઓનું સમાધાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ઝેરયુક્ત ખેતીને કારણે દૂધ, ફળ, શાકભાજી અને માતાનું દૂધ પણ રસાયણો અને જંતુનાશકોથી પ્રદૂષિત થઈ ગયું છે. એક સંશોધનમાં, 105 માતાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા હતા. 30 નવજાત બાળકોના લોહીના નમૂનાઓમાં પણ જંતુનાશકો મળી આવ્યા હતા. જે ખૂબ ચિંતાનો વિષય છે.
તેમણે ચેતવણી આપી હતી કે, આ ઝેરી ખોરાક ડી.એન.એ.ને પણ અસર કરી રહ્યો છે. બ્રાઝિલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાંના બાળકોના ડી.એન.એ. બદલાઈ રહ્યા છે. ભારતમાં પણ, સક્ષમ માતાપિતાના ઘરે માનસિક રીતે વિકલાંગ બાળકો જન્મી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ અશુદ્ધ ખોરાક છે. આ સંદર્ભમાં, તેમણે ભગવદ ગીતાને ટાંકીને કહ્યું, ખોરાકની શુદ્ધતાથી વિચારોની શુદ્ધતા થાય છે, અન્નથી જ મન બને છે.
રાજ્યપાલએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી, ગુજરાતમાં 8 થી 9 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે. આ ચળવળ હવે દેશભરમાં વેગ પકડી રહી છે.
તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે દરેક ઘરમાં આ સંદેશ ફેલાવીએ કે શુદ્ધ વિચાર, શુદ્ધ આહાર અને સંસ્કાર સ્વસ્થ, સદાચારી અને સક્ષમ બાળકોને જન્મ આપે છે. આજે, નાના બાળકો હાર્ટએટેક, ડાયાબિટીસ, કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. જેનાથી બચવાનો એક માત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ભારતીય જીવનશૈલીમાં રહેલો છે, તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કાર્યક્રમના આયોજક, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, તેમની ટીમ અને કુલગુરુ ડૉ. હિતેશ જાનીની પ્રશંસા કરી અને કહ્યું કે જો આ વિચારનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવે તો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું કલ્યાણ થઈ શકે.
કાર્યક્રમમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલપતિ ડૉ. હિતેશ જાનીએ વૈદિક કાળના ગર્ભસંસ્કાર અને આયુર્વેદના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને તેમના વિચારોમાં વિગતવાર રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, માતાપિતાનો આહાર, વિચારો અને વર્તન ગર્ભ પર કેવી રીતે અસર કરે છે અને યોગ્ય વાતાવરણ અને સકારાત્મક ઉર્જા સાથે બાળકને કેવી રીતે 'કુંદન' બનાવી શકાય છે.
ડૉ. હિતેશ જાનીએ 'ગર્ભાવસ્થાથી સંતાનના અવતરણ સુધી' ના વિવિધ તબક્કાઓ સમજાવ્યા હતા. તેમણે ગર્ભધારણ પહેલાંનું આયોજન અને તેનું મહત્વ, લગ્નજીવનમાં સંવાદિતા અને સંદેશાવ્યવહારની ભૂમિકા, ગર્ભધારણ પહેલાંનો આહાર અને વર્તન, ગર્ભાવસ્થાનું આયોજન અને આધુનિક દૃષ્ટિકોણથી સાવચેતીઓ, પ્રકૃતિ પરીક્ષણ અને ગર્ભ પર સંગીતની અસર વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ વિષયો પર વિગતવાર ચર્ચા કરતાં ડૉ. હિતેશ જાનીએ જણાવ્યું હતું કે, ગર્ભ સંસ્કાર એ કોઈ બાહ્ય દેખાવ નથી, પરંતુ એક ઊંડી અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું બાળક સુંદર, મજબૂત અને બુદ્ધિશાળી હોય. આ પ્રક્રિયામાં ગર્ભ સંસ્કારની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
તેમણે એમ પણ કહ્યું કે, એક જ ગોત્રમાં લગ્ન કરવા એ વૈજ્ઞાનિક રીતે અયોગ્ય છે. ગોત્ર ફક્ત ધર્મ સાથે જ નહીં, પણ વિજ્ઞાન સાથે પણ સંબંધિત છે. તેથી, દરેક વ્યક્તિએ પોતાના ગોત્ર વિશે જાણવું જોઈએ.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સગર્ભા સ્ત્રીઓ માટે ખાસ તૈયાર કરાયેલ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે 18 સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નવદંપતીઓ, સગર્ભા સ્ત્રીઓ, ડોક્ટર્સ, શિક્ષણ અને મનોવિજ્ઞાન સંબંધિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલએ ઉપસ્થિત તમામ યુવા દંપતીઓને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્માણ - માનવ નિર્માણ ના પવિત્ર કાર્યને ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણે સંવેદનશીલ, સંસ્કારી અને સદાચારી બાળકનું નિર્માણ કરી શકીએ, તો તે રાષ્ટ્રની સૌથી મોટી સેવા હશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ