સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મોટી સંખ્યામા ભક્તો ભક્તો ઉમટ્યા. સોમનાથ મહાદેવને આ પાવન દિવસે ભવ્ય રીતે બિલ્વપત્રના શૃંગારથી સજાવવામાં આવ્યા હતા. આ વિશેષ શૃંગાર દ્રષ્ટિએ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને અનેક ભક્તોએ પોતાના અંતરમાં શ્રદ્ધા અને ભક્તિની ભાવનાથી પરિપૂર્ણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બિલ્વ માટે કહેવાય છે કે,
दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम्।
अघोरपापसंपर्कं बिल्वपत्रं शिवर्पणम्॥
અર્થ
બિલ્વવૃક્ષનું દર્શન કરવું,
તેનો સ્પર્શ કરવો પાપ નાશક છે.
ઘોર પાપોથી મુક્તિ માટે બિલ્વપત્રનું
શિવજીને અર્પણ કરવું અગત્યનું છે.
શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તો માટે વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવે છે તથા દેશવિદેશમાંથી હજારો ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી ભક્તો સુગમ દર્શનનો લાભ લઈ શકે.
શ્રાવણ ના પ્રથમ સોમવારે કુલ 70 ધ્વજાપૂજન, સોમેશ્વર મહાપૂજન 69, રૂદ્રાભિષેક પાઠ 1007 કરવામા આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ