પાટણ, 29 જુલાઈ (હિ.સ.)ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે ગોપાલક હાઈસ્કૂલ, પાટણ ખાતે શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત નિમણૂક કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાની 140 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ માટે માધ્યમિક વિભાગમાં પસંદગી પામેલા 68 શિક્ષકોને નિમણૂકના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ હુકમો જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળા સંચાલકોના હસ્તે આપવામાં આવ્યા હતા. નવનિયુક્ત શિક્ષકોને 29 જુલાઈથી 7 દિવસની અંદર શાળામાં હાજર થવાનું રહેશે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીએ નવા શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સમર્પિત ભાવનાથી કાર્ય કરવાથી ખરેખર નોકરીનો આનંદ મળે છે. તેમણે કહ્યું કે એક સારા શિક્ષક પાસેથી સમાજની મોટી અપેક્ષાઓ હોય છે અને તેઓ પોતાના વર્તનથી સમાજમાં રોલ મોડલ બની શકે છે. જેમનેતા કે કલાકાર લોકોના રોલમોડલ હોય છે, તેમ શિક્ષક પણ અગ્રણી પાત્ર ભજવે છે.
અશોક ચૌધરીએ નવા શિક્ષકોને માત્ર ભાષાલક્ષી શિક્ષણ સુધી મર્યાદિત ન રહેવા પણ સૂચન આપ્યું. તેમણે શિક્ષકોને તેમના અંગત વિકાસ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા અને વૈવિધ્યતાભર્યું શિક્ષણ આપવાની સલાહ આપી. આદર્શ શિક્ષક તરીકે કેવી રીતે કાર્ય કરવું તેના વિશે માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે ઘડવા અનુરોધ કર્યો.
કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકો દ્વારા પણ તેમનાં અનુભવ અને લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા નોડલ અધિકારી ભરતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર