સુરત, 29 જુલાઈ (હિ.સ.)-શહેરનાં ઉધના ઝોન વિસ્તારમાં આવેલ પાંડેસરા ખાતે સરકારી જમીન પર લારી - ગલ્લાનું દબાણ ઉભું કરનારા તત્વો દ્વારા આજે પાલિકાની ટીમ સાથે ઘર્ષણ કરતાં ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો. ઉધના ઝોનની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલાક તત્વો દ્વારા ભારે વિરોધ કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી જતાં અંતે મામલો થાળે પડ્યો હતો.
સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ખાતે આવેલ ડી-માર્ટ પાસે સરકારી જમીન પર છેલ્લા કેટલાક સમયથી ખાણી - પીણીની લારી ગલ્લાનું દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા પણ છાશવારે ફરિયાદ કરતાં અંતે આજે મહાનગર પાલિકાનાં દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, માથાભારે ઈસમો દ્વારા દબાણ વિભાગનાં કર્મચારીઓને ઘેરાવ કરીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું. દબાણ હટાવવાની કામગીરીમાં વિધ્ન ઉભું કરનારાં તત્વો દ્વારા મનપાની ટીમનો ઘેરાવ કરીને છુટ્ટાહાથની મારા કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. જેને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. અગાઉ પણ પાંડેસરા અને આસપાસનાં વિસ્તારોમાં રખડતાં ઢોર પકડવા માટે પહોંચતી ટીમો પર હુમલા અને મારામારીની ઘટનાઓ નોંધાઈ ચુકી છે ત્યારે હવે માથાભારે દબાણકર્તાઓ દ્વારા વધુ એક વખત મનપાની ટીમનો ઘેરાવ કરી મારામારીની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે