ભુજ - કચ્છ, 29 જુલાઇ, (હિ.સ.) ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં પ્રાથમિક સમસ્યાઓ રાફડો ફાળીને ઉભી હોય તેમ સ્થિતિ સર્જાઇ છે. સ્થાનીક કોંગ્રેસ દ્વારા વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મહાપાલિકાની કચેરીમાં હલ્લાબોલ કરાયો હતો.
વારંવારની રજૂઆતો છતાં ઉકેલ કેમ નહીં?
ગાંધીધામ શહેરમાં રસ્તાઓની હાલત ખરાબ છે, સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી છે, પીવાનું પાણી મળતું નથી અને રખડતા ઢોરનાં કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, વારંવારની રજૂઆતો પછી સમસ્યાઓનું સમાધાન ન થતાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરીને નાયબ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આક્રોશ વ્યક્ત કરાયો હતો.
શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ કર્યા સુત્રોચ્ચાર
કોંગ્રેસના શહેર પ્રમુખ ભરત ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રાસિંહ ઝાલા, ચેતન જોશી, ભરતભાઈ સોલંકી, પૂર્વ વિપક્ષ નેતા સમિત જોશી, ગનીભાઈ માંજોઠી, બળવંતાસિંહ ઝાલા તાલુકા પંચાયતમાં વિપક્ષના નેતા અલ્પેશભાઈ જરૂ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ મહાનગરપાલિકા કચેરી બહાર હલ્લાબોલ કરીને સૂત્રોચાર કર્યા હતા ત્યારપછી નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને મળીને આ તમામ સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.
ઢોરને પકડવાનો ઠેકો અપાયાનો દાવો
ખાસ કરીને રખડતા ઢોરનાં કારણે ગંભીર અકસ્માત સર્જાઇ રહ્યા છે, છતાં તંત્ર કાર્યવાહી કરતું નથી. તેના પ્રત્યુત્તરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે રખડતા ઢોરને પકડવા માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. ટૂંક સમયમાં જ રખડતા ઢોરને પકડીને થોડા સમય માટે રામલીલા મેદાનમાં રાખવામાં આવશે તેવું કહ્યું હતું, ત્યારે વીપક્ષના પૂર્વ નેતા સમિપ જોશીએ કોર્ટ કેસ હોવાનું કહ્યું હતું. લોકોને પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે તો સફાઈ માટે કોન્ટ્રાક અપાયો છે, થોડાક સમયમાં વ્યવસ્થિત કામગીરી થશે તેવું નાયબ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA