પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાની પ્રથમ મહિલા ચીફ ઓફિસર તરીકે હિરલબેન ઠાકરે શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે ચાર્જ સંભાળતા જ પ્રથમ બેઠક સ્વચ્છતા શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરી હતી. પાટણનું હાલનું સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્થાન નેશનલ લેવલે 93 અને રાજ્ય લેવલે 32 છે અને તેને આગામી વર્ષે પ્રથમ ક્રમે લાવવાનું હિરલબેન ઠાકરનું લક્ષ્ય છે.
હિરલબેન ઠાકરે જાહેરમાં કચરો ફેંકનાર સામે સખ્ત દંડકીય કાર્યવાહી, શહેરમાં ગેરકાયદેસર દબાણોનું એનાલિસિસ અને તેમને દૂર કરવાના આદેશ આપ્યા. તેમણે અલગ-અલગ શાખાઓ—દબાણ, બાંધકામ, લાઇટ, ટી.પી. અને વહિવટી શાખાઓ સહિત પોલીસ તંત્રને પણ દબાણ મુક્તિ અભિયાનમાં જોડાવાનું સૂચન કર્યું. દબાણ કરનારાઓની આક્રમકતા સામે કાયદેસર રીતે પગલાં લેવા તેમણે ટીમને તૈયારી રાખવા જણાવ્યું.
શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા હિરલબેન ઠાકરે વોર્ડવાઇઝ ટીમો જોતરવી, ખાલી પ્લોટમાં ઝાડઝાંખર કાપવું, સોસાયટીઓની યાદી તૈયાર કરવી, રોડ પરનો જૂનો સામાન દૂર કરવો અને ડોર-ટુ-ડોર સંગ્રહ વ્યવસ્થાને સુધારવા જેવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા. તેમણે મહિલાઓને નજીકના વિસ્તારમાં ફરજ પર મૂકવાનું કહ્યું અને લાંબા સમયથી રજામાં રહેલા કર્મચારીઓ સામે પગલાં લેવાની તાકીદ પણ કરી.
હિરલબેન ઠાકરે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ, પરિવહન અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સૂચના આપી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં નિયમોનું પાલન થતું રહે તે માટે ચાંપતી કામગીરી કરવા જણાવ્યું. આ બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ, સીટી એન્જીનિયરો પરીખભાઇ, અભિષેક પટેલ સહિત અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે પાટણના નાગરિકોને જાગૃત બનાવી અને ચીફ તરીકે તેઓ પણ મેદાને ઊતરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર