સુરત, 29 જુલાઈ (હિ.સ.)- સુરત મહાનગર પાલિકામાં આધાર કાર્ડની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર કામ કરનાર કર્મચારીઓની આજે સાગમટે ગેરહાજરીને પગલે અરજદારોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પગાર સહિતની વિવિધ માંગણીઓને મુદ્દે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતાં કર્મચારીઓમાં છેલ્લા ઘણા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે અઠવા અને લિંબાયત સહિત તમામ ઝોન વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓની સામુહિક હડતાળને પગલે આધાર કાર્ડની કામગીરી ટલ્લે ચઢી જવા પામી હતી. અલબત્ત, ઝોન પર પહોંચેલા અરજદારોને ધરમધક્કા ખાવાની ફરજ પડી હતી.
મિની ભારત ગણાતાં સુરત શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે. આ સિવાય રાજ્યનાં પણ અન્ય હિસ્સાઓમાંથી રોજગાર - નોકરી અને ધંધા માટે લાખોની સંખ્યામાં નાગરિકો સુરતને કર્મભૂમિ બનાવી ચુક્યા છે. આ સ્થિતિમાં અન્ય વિસ્તારમાંથી આવેલા નાગરિકો પોતાના આધાર કાર્ડમાં સરનામું બદલવાથી માંડીને અન્ય સુધારા માટે મહાનગર પાલિકાનાં વિવિધ ઝોનમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર નિર્ભર રહેતા હોય છે. અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓનું આર્થિક શોષણ થવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આધાર કાર્ડની કામગીરીમાં જોતરાયેલા કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કર્મચારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે મહાનગર પાલિકાનાં તમામ ઝોન વિસ્તારમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર પર ફરજ બજાવતાં કર્મચારીઓની સામૂહિક હડતાળને પગલે કામગીરી ખોરંભે ચઢી હતી. બીજી તરફ આધાર કાર્ડમાં સુધારા માટે પહોંચેલા અરજદારોને પણ ધક્કો માથે પડતાં તેઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે