ઉધનામાં ખાડીમાં કચરો ફેંકનારાઓ વિરૂદ્ધ સઘન અભિયાન
સુરત, 29 જુલાઈ (હિ.સ.)-સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત મહાનગર પાલિકાએ ઈન્દોરને ધોબી પછડાટ આપીને પહેલો ક્રમ મેળવવામાં સફળતા મેળવી છે. જો કે, કેટલાક શહેરીજનો દ્વારા સ્વચ્છતા મુદ્દે હજી પણ ધરાર નિષ્કાળજી દાખવવામાં આવતી હોય છે. સરેઆમ રસ્તાઓ અને ખ
Surat


સુરત, 29 જુલાઈ (હિ.સ.)-સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત મહાનગર પાલિકાએ ઈન્દોરને ધોબી પછડાટ આપીને પહેલો ક્રમ મેળવવામાં સફળતા મેળવી છે. જો કે, કેટલાક શહેરીજનો દ્વારા સ્વચ્છતા મુદ્દે હજી પણ ધરાર નિષ્કાળજી દાખવવામાં આવતી હોય છે. સરેઆમ રસ્તાઓ અને ખાડીઓમાં કચરા ફેંકનારા તત્વોને કારણે ઠેર - ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ નજરે પડે છે. આ સ્થિતિમાં આજે ઉધના ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાડી કિનારે કચરો નાખનારાઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એક તરફ મહાનગર પાલિકા દ્વારા ખાડીની સફાઈ પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે ત્યારે શહેરીજનો દ્વારા ખાડીને જ ઉકરડો બનાવી દેતાં પાલિકાની ટીમની કાર્યવાહીને પગલે કચરો ફેંકનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાનાં માપદંડોમાં અગ્રેસર રહીને હાલમાં જ પ્રભાવશાળી દેખાવને પગલે દેશભરમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ડોર - ટુ - ડોર ગાર્બેજ કલેકશનથી માંડીને કન્ટેઈનર ફ્રી સિટી બનેલા સુરત શહેરમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની લાપરવાહીને પગલે ઉકરડાંના દ્રશ્યો સામાન્ય થઈ ચુક્યા છે. ખાસ કરીને ખાડીઓ કિનારે શહેરીજનો દ્વારા સરેઆમ કચરો ફેંકવાના દ્રશ્યો છાશવારે જોવા મળે છે. હાલમાં જ ખાડી પુરને કારણે સુરત મહાનગર પાલિકાની નિંભર કામગીરી વિરૂદ્ધ ભારે માછલાં ધોવાયા હતા. જો કે, ખાડીઓની સફાઈ પાછળ કરોડો રૂપિયાનાં આંધણ છતાં ખાડી કિનારે વસવાટ કરતાં નાગરિકો દ્વારા ખાડીમાં જ કચરો ઠાલવવામાં આવતો હોય છે. અલબત્ત, ઉધના ઝોનનાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારનાં ન્યુસન્સ પર અંકુશ મેળવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગોવાલક ખાડી પાસે મહાનગર પાલિકાની એક ટીમ દ્વારા ખાડીમાં કચરો ફેંકનારા 15થી વધુ નાગરિકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ઘરે ઘરે ગાર્બેજ કલેકશન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા કચરા ગાડીઓ દોડાવવામાં આવતી હોવા છતાં કેટલાક નાગરિકો દ્વારા આ પ્રકારની વૃત્તિને કારણે ખાડીઓ કિનારે રીતસર ઉકરડાં જેવા દ્રશ્યો જોવા મળતાં હોય છે. જો કે, પાલિકાની ટીમ દ્વારા આજે કરવામાં આવેલ કાર્યવાહીને પગલે અન્ય નાગરિકોમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande