સુરત, 29 જુલાઈ (હિ.સ.)-શહેરના કુંભારિયા વિસ્તારમાં આવેલ શ્રી કુબેરજી ટેક્સટઇલ વર્લ્ડમાં દુકાન ધરાવતા ઠગ બાજ ઇસમે કાપડ દલાલ મારફતે એક વેપારી પાસેથી રૂપિયા 11.80 લાખનો માલ ખરીદી કર્યો હતો. જોકે બાદમાં તે પૈકી માત્ર 30,000 રૂપિયા ચૂકવી બાકીના રૂપિયા 11.30 લાખ નહીં ચૂકવી દુકાન બંધ કરી પલાયન થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેમણે આ મામલે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર મિથિલા હાઈટ્સમાં રહેતા કેતનભાઇ ગોકુળભાઈ સોરઠીયા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને સારોલી કુંભારિયા ખાતે આવેલ શ્રી કુબેરજી ટેક્સટઇલ માર્કેટમાં દુકાન ધરાવતો ઠગબાજ વેપારી ભેટી ગયો હતો. કેતનભાઇ સાથે કાપડ દલાલ કમલભાઈ રામદયાલ કુરીલ (રહે-પ્લોટ નં-123,એકતાનગર ગુજરાત હાઉસીગ બોર્ડ પર્વતગામ લીંબાયત) (મુળવતન-સગવર થાના-બારાહ તા.બીઘાપુર જી.ઉન્નાઉ યુ.પી)નો સંપર્ક થયો હતો. ત્યારબાદ કમલ મારફતે ગૌતમ કિશન જૈન “પારવ ટેક્ષટાઈલ” ના પ્રોપાયટર (ઠે-દુકાન નં-3043 શ્રી કુબેરજી ટેક્ષટાઈલ વર્લ્ડ કુંભારીયા સુરત) (રહે-એમ-102, નંદની-3 શ્યામબાબા મંદીરની બાજુમા વી.આઈ.પી રોડ વેસુ) તેમના સંપર્કમાં આવ્યો હતો. કમલ ભાઈએ ગૌતમ જૈન કાપડનો મોટો વેપારી હોવાની ઓળખાણ આપી અવારનવાર તેમની પાસેથી માલ મંગાવી સમયસર પૈસા ચૂકવી આપી વિશ્વાસમાં લીધો હતો. જો કે ત્યારબાદ તારીખ 13/6/2024 થી તારીખ 17/7/2024 ના સમયગાળા દરમિયાન કમલ મારફતે ગૌતમ જૈન કેતનભાઇ પાસેથી રૂપિયા 11.80 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો. શરૂઆતમાં માત્ર 30,000 રૂપિયા ચૂકવી બાકીના રૂપિયા 11.50 લાખ ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ બાદમાં ગૌતમ જૈન દુકાન બંધ કરી પલાયન થઈ ગયો હતો. જેથી આખરે બાદમાં કેતનભાઇને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તેઓએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે