ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) : વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે. વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે.
એક પેડ મા કે નામ બાદ આ વિશેષ અભિયાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે. એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ દેશમાં શરૂ કરાવ્યું છે.
હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી
રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.
આવી રીતે કરાશે પ્લાન્ટેશન
વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે. વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ એમ.ઓ.યુ. થયા તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડો.એ.પી.સિંગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે. સુગુર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા અને મિતલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA