ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) : સારી ગુણવત્તાનો કોલસો ટ્રેઇલરમાંથી કાઢીને નબળી ગુણવત્તાનો 12 ટન કોલસો ભરી નાખવાનું કારનામુ પોલીસ દ્વારા પકડાયું છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રેઇલરને અટકાવીને પૂછતાછ કરતાં આ બનાવટી મિક્સીંગ કોલસાનો જથ્થો પકડાયો હતો. આ અંગે નલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
એલ.સી.બી.એ ચકાસણી કરતાં કારનામુ સામે આવ્યું
એલ.સી.બી.એની ટીમ અબડાસાના નલિયા બાજુ પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડવી તરફથી આવતા ટ્રેઇલર નં. જી.જે. 39-ટી. 9223ને અટકાવી તેના ચાલક રાજસ્થાનના અજમેર જિલ્લાના ફિરોજ છોટુજી કાઠત પાસે ગાડીમાં ભરેલા માલ બાબતે આધાર-પુરાવા માગ્યા હતા. તેણે રિશી ઇન્ટરનેશનલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનો ગેટ પાસ અને શીલ પેકિંગ કરેલી પહોંચ તથા શિવાન્યા એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટના ચલણની પહોંચ અને બિલ્ટી રજૂ કરી હતી. તેમાં ઉત્તમ ગુણવતાનો કોલસો હોવાનું લખેલું હતું. જો કે, ટ્રેઇલરમાં મિકસીંગ કરેલો કોલસો જણાયો હતો.
કંડલામાંથી ભરાયો ઉત્તમ કોલસો, વાડામાં કરાયો મિક્સ
પૂછપરછ કરતાં ચાલકે કબૂલાત કરી કે, તે કંડલા પોર્ટમાંથી ઉત્તમ ગુણવતાનો કોલસો ભરી નિલકંઠ પાર્કિંગમાં ટ્રેઇલર પાર્ક કરી શીલ કરાવ્યા બાદ જણાવ્યું કે, ટ્રેઇલરમાંથી કોલસો કાઢવાનો છે જેથી ટ્રેઇલર વાડા પર લઇ જતા શેઠ ભુરાભાઇ દ્વારા શીલને નુકસાન ન થાય તે રીતે ઉત્તમ ગુણવતાનો 12 ટન કોલસો કાઢી લઇ તેમાં નબળી ગુણવતાનો કોલસો મીક્સ કરીને ફરી ટ્રેઇલરમાં શીલ લગાવ્યું હતું.
2.53 લાખનો મિક્સ માલ અને 15 લાખનું ટ્રેઇલર કબજે
ભેળસેળવાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા જતો હતો ત્યારે પોલીસે વાહન અટકાવી સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. ટ્રેઇલરમાંથી 12 ટન ઉત્તમ ગુણવતાના ચોરી કરવામાં આવી હતી. જ્યારે 2.53 લાખનો મિક્સ કરેલો માલ અને 15 લાખનું ટ્રેઇલર કબજે કરી નલિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચાલક ફિરોજ હાજર મળ્યો હતો. ગાંધીધામનો ભુરાભાઇ રબારી હાજર મળ્યો નહતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA