પ્રાકૃતિક ખેતી માત્ર એક આંદોલન નહીં, પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે : રાજ્યપાલ
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર એક આંદોલન નથી, પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે, જેનાથી પાણી, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, આ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર એક આંદોલન નથી, પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે, જેનાથી પાણી, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, આ પ્રાકૃતિક ખેતીનું મિશન ફક્ત ઔપચારિક ન બની રહેવું જોઈએ, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે સંપૂર્ણ પ્રામાણિકતા, સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરવું જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિકસ (BISAG) ના માધ્યમથી સમગ્ર રાજ્યના કલેક્ટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓ, કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, કૃષિ સખીઓ, કિસાન મિત્ર અને કૃષિ સહાયકો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ અધિકારીઓને અપીલ કરી કે, તેઓ આ મિશનને માત્ર ઔપચારિકતા ન માને, પરંતુ તેને ધર્મ અને પુણ્યનું કાર્ય માનીને સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરે.

તેમણે કહ્યું કે, આ મિશન સાથે જોડાઈને તમે પૃથ્વી, પાણી, ગાય અને માનવ જીવનનું રક્ષણ કરી રહ્યા છો. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને આ અભિયાનને તેમની જવાબદારીથી વિશેષ માનવ સેવા અને પ્રકૃતિ સંરક્ષણના સંકલ્પના રૂપમાં લેવા અને આવનારી પેઢીઓને સુરક્ષિત, સમૃદ્ધ અને સ્વસ્થ ભવિષ્ય આપવામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કૃષિ વિભાગની જવાબદાર ટીમે પ્રાકૃતિક ખેતી મિશનનો સંપૂર્ણ સમર્પણ સાથે અમલ કરવો જોઈએ.

રાજ્યપાલએ કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને માનવતાના હિતમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય પાણી, જમીન, લોકો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. રાસાયણિક ખેતી દ્વારા ઉત્પન્ન થતા ઝેરને કારણે કેન્સર, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર જેવા ગંભીર રોગો વધી રહ્યા છે. એક અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે, 105 માતાઓના દૂધમાં જંતુનાશકો મળી આવ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષના સંશોધન બાદ ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓએ સ્પષ્ટતા કરી છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં કોઈ ઘટાડો થતો નથી. તેના બદલે, થોડા વર્ષોમાં જમીનની ફળદ્રુપતા વધવાને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે. રાજ્યના હજારો ખેડૂતોએ તેમના અનુભવના આધારે આ સાબિત પણ કર્યું છે.

આચાર્ય દેવવ્રતએ અધિકારીઓને રાસાયણિક, જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના મૂળભૂત તફાવતને સમજવા અને સમજાવવા સૂચના આપી. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતને કોઈ બાહ્ય ઇનપુટ ખરીદવાની જરૂર નથી કે કોઈ વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. પ્રાકૃતિક ખેતી ફક્ત સ્થાનિક સંસાધનો જેવા કે દેશી ગાય, ખેતરની માટી, ગોળ, બેસન, ગાયનું છાણ અને ગૌમૂત્રથી થાય છે.

રાજ્યપાલએ માહિતી આપી હતી કે, ત્રણ ગામોના દરેક ક્લસ્ટરમાં તાલીમ પામેલા કૃષિ સખી અને કૃષિ સહાયકની નિમણૂક કરવામાં આવી છે, જેમને માસિક રૂપિયા 6000 ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે, ફક્ત તે વ્યક્તિઓની જ પસંદગી કરવામાં આવે જેઓ પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જેમના ખેતરમાં પ્રાકૃતિક કૃષિનું મોડેલ છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ જ નીચું 0.2 થી 0.4 ટકા સુધી પહોંચી ગયું છે. તેથી, પ્રથમ ત્રણ વર્ષમાં, દરેક સિંચાઈમાં પ્રતિ એકર 1 થી 1.5 ટન ઘનજીવામૃત અને દરેક સિંચાઈમાં જીવામૃતનો ઉપયોગ જરૂરી છે, જેથી સુક્ષ્મજીવો પુનર્જીવિત થઈ શકે અને જમીન ફરીથી ફળદ્રુપ બની શકે.

તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી બાગાયતી પાકો માટે અત્યંત ફાયદાકારક છે. પોતાનો અંગત અનુભવ વર્ણવતાં તેમણે કહ્યું કે, તેમના ખેતરમાં એક વર્ષમાં ઉગાડવામાં આવેલ છોડ, રાસાયણિક ખેતીમાં ઉગાડવામાં આવેલા બે વર્ષના છોડ કરતાં વધુ સારો વિકસિત થયો છે. તેમણે કહ્યું કે તેઓ પોતે દર અઠવાડિયે રાજ્યના કોઈ એક તાલુકામાં કિસાન સંમેલનમાં ભાગ લેશે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે, દરેક ગામમાં ઓછામાં ઓછું એક પંચ-સ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ અને દરેક પંચાયતમાં ઓછામાં ઓછા 75 પ્રાકૃતિક ખેડૂતો હોય તેની ખાતરી કરવી જોઈએ.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને દરેક જિલ્લા અને તાલુકાસ્તરે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો સ્થાપવા અપીલ કરી હતી. તેમણે સુરતમાં બનેલા વેચાણ કેન્દ્રની પ્રશંસા કરી અને કહ્યું કે આ મોડેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરી શકાય છે.

રાજ્યપાલએ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી જિલ્લો જાહેર કર્યા પછી મળેલી સફળતાનો ઉલ્લેખ કરતાં, તેમણે તાપી, નર્મદા અને સરહદી જિલ્લાઓને પ્રાકૃતિક ખેતી માટે મોડેલ વિસ્તારો તરીકે વિકસાવવા આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીનો આત્મા જીવામૃત અને ઘનજીવનામૃતની ગુણવત્તામાં રહેલો છે. જો તે યોગ્ય રીતે તૈયાર કરવામાં નહીં આવે, તો તેની સમગ્ર મિશન પર પ્રતિકૂળ અસર પડશે. ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં ગુણવત્તા નિયંત્રિત ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા સૂચવીને જિલ્લા અધિકારીઓને તેનું નિયમિત નિરીક્ષણ કરવા અને ગોળ, બેસન, ગાયનું છાણ, ગૌમૂત્ર વગેરેના પ્રમાણની ચકાસણી કરવા જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ એક સહકારી મોડેલ પણ સૂચવ્યું, જેમાં પાંચ ખેડૂતો મળીને એક દેશી ગાય ઉછેરે અને જીવામૃત-ઘનજીવામૃતનું ઉત્પાદન એક જવાબદાર ખેડૂત દ્વારા કરવામાં આવે, જેથી ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે.

રાજ્યપાલએ કહ્યું કે, ભારત અને વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી કાર્યરત થઈ ચૂકી છે, જેમાં અભ્યાસ અને સંશોધન કાર્ય થઈ ગયું છે. આ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આધારને સાબિત કરશે અને વૈશ્વિક કૃષિને નવું માર્ગદર્શન આપશે.

તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે માત્ર ધરતી માતાને ફળદ્રુપ બનાવવાની સાથે આવનારી પેઢીને સ્વસ્થ જીવન, સ્વચ્છ વાતાવરણ અને સમૃદ્ધ ભવિષ્ય પણ સોંપી રહ્યા છીએ. આ કાર્ય માનવતાની સેવાનું કાર્ય છે અને તેમાં પ્રામાણિકતા સૌથી મોટી મૂડી છે.

રાજ્યપાલએ દરેકને આ ઉમદા કાર્યમાં સમર્પણ સાથે જોડાવા અપીલ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં દેશનું 'રોડ મોડેલ' બનશે. તેમણે કહ્યું કે, જો આપણે આપણા કાર્યોમાં સત્ય અને પ્રામાણિકતા રાખીશું, તો આ કાર્ય ફક્ત કૃષિ સુધારણાનું નહીં પણ ઈશ્વરીય કાર્ય બની રહેશે.

આ સંવાદ કાર્યક્રમમાં કૃષિ વિભાગના અધિક સચિવ પી. ડી. પલસાણા, કૃષિ નિયામક પ્રકાશ રબારી, બાગાયત નિયામક એચ. એમ. ચાવડા, આત્મા નિયામક સંકેત જોશી, રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande