ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : આધુનિક જીવનશૈલી અને ફાસ્ટફૂડની વધતી ટેવના કારણે હમણાંના સમયમાં સ્થૂલતા, હ્રદયરોગ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મુખ્ય કારણોમાંથી એક છે – ખોરાકમાં વધુ પ્રમાણમાં તેલ અને ચરબીયુક્ત પદાર્થોનો સમાવેશ થાય છે. નાગરિકોને વધુ સારી પોષણશક્તિ આપવી અને તેમનું આરોગ્ય સુધારવું એ ઉદ્દેશ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ સહિત નવસારી જિલ્લા તંત્ર નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પ્રતિબધ્ધ છે.
સારા આરોગ્ય માટેનું પ્રથમ પગલુ ઘરના રસોડાથી જ શરૂ થાય છે. લોકોને પોતાના દૈનિક આહારમાં તેલનું પ્રમાણ શક્ય તેટલું ઓછું રાખવાથી સ્વસ્થ જીવનની દિશામા પહેલુ કદમ ઉથાવ્યું કહેવાય છે. ખાસ કરીને તળેલા પદાર્થોનું સેવન નિયંત્રિત કરવું અત્યંત જરૂરી છે. તળેલા ખોરાકના બદલે બાફેલા, શેકેલા અથવા ગ્રીલ કરેલા વિકલ્પ વધુ પોષક અને આરોગ્યપ્રદ હોય છે. તેમજ ઘી અને માખણ જેવા સૅચ્યુરેટેડ ફેટ્સનો પણ નિયંત્રણપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. તેમજ વનસ્પતિ અને ટ્રાન્સ ફેટ ધરાવતાં તેલવાળા ખાદ્યપદાર્થો જેમ કે પેકેટ સ્નેક્સ, બેકરી આઇટમ્સ અને પ્રોસેસ્ડ ફૂડનો ઘટાડો કરવો અનિવાર્ય છે.
તેલના સેવનમાં કાપ લાવવાથી માત્ર વજન નિયંત્રણ જ નહીં, પણ હ્રદયના આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો આવે છે. અવનવી જાહેરાતો અને મોબાઇલ અને ટીવીના વધારે સંપર્કમાં રહેવાથી આજકાલ બાળકો વધુ પડતા બહારના ખોરાક અને પેકેટસ કે સ્નેક્સ તરફ આકર્ષિત થયા છે. આપણી સાથે સાથે બાળકોને પણ તેલના વધુ પડતા સેવનથી બચાવવું જરૂરી છે. આહારમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન-મિનરલ્સથી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાથી શરીરનાં પોષણની જરૂરિયાતો પૂર્ણ થાય છે અને ભૂખ પર વધુ નિયંત્રણ રાખી શકાય છે. ઘરે જ મીલેટસના ઉપયોગથી આરોગ્ય વર્ધક ચિજ વસ્તુઓ બનાવી શકાય છે. જે પોષણ સ્તરમા વધારો કરી બાળકોના સ્વાસ્થ્યમાં પણ દેખીતો બદલાવ લાવે છે.
આહારમાંથી તેલનું પ્રમાણ ઓછું રાખવું એ આપણી આરોગ્ય સંભાળની પ્રથમ કડી છે. નાની અને સરળ રીતોથી પણ મોટા રોગો સામે સંરક્ષણ મેળવી શકાય છે. ‘મેઘસ્થિતાને દૂર કરો અને પોષણક્ષમ ખોરાક અપનાવો’ એ જીવનશૈલીનો મૂળમંત્ર બની રહેવો જોઈએ.”
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મેદસ્વિતા મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય હેતુ લોકોને પ્રેરણા આપવી કે તેઓ પોતાના જીવનમાં આરોગ્યપ્રદ ભોજન અને સંયમિત ખોરાક દ્વારા એક સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો છે. આ સાથે આરોગ્યદાયક ખોરાક પસંદ કરવાની અને તેલવાળા પદાર્થો ટાળવાની ભલામણ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં પણ આરોગ્યવિદો, ડાયટિશિયન અને પોષણવિદો, યોગટ્રેનરો દ્વારા તાલુકા અને શાળાઓ સહિત જાહેર સ્થળોએ નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ