પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલા ઉમેદવારો માટે નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ નવયુગ વિદ્યાલય, પોરબંદર ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, શાળાની સાચી ઓળખ તેના આચાર્ય અને શિક્ષકો થકી જ બને છે. તેમણે નવા નિમણૂક પામેલા શિક્ષકોને પ્રેરણા આપતાં જણાવ્યું કે આજના સમયમાં ખાનગી શિક્ષણ તરફ લાલચ વધી રહી છે, ત્યારે નવા શિક્ષકોએ સરકારી શિક્ષણ પ્રત્યે વિશ્વાસ સ્થાપિત કરવાનો દાયિત્વ નિભાવવું પડશે.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતીમાં એક કહેવત બારે બુદ્ધિ અને સોળે સાન એટલે ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ લેવા આવે ત્યારે ઘણી બાબતો શીખીને આવતા હોય છે, પાછી આ ઉમર પણ એવી હોય છે કે ખોટુ માર્ગદર્શન કે સંગત તેમનુ ભવિષ્ય ખરાબ કરી શકે છે ત્યારે તેમને ભણાવતા શીક્ષકોની જવાબદારી ખુબ મોટી થઇ જાય છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, સિલેબસ પુરો કરવાની સાથે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે તેમની શક્તિઓ પારખીને સાચો રસ્તો બતાવવાની જવાબદારી પણ શિક્ષકની જ છે કેમ કે “માતા અને શિક્ષક જ આવતી કાલના સમાજનુ નિર્માંણ કરે છે”. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ ઉત્સાહભેર લાગણી સાથે કહ્યું હતુ કે આજે નવયુ વિદ્યાલયથી પોરબંદરના શિક્ષણના નવા યુગની શરૂઆત થઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા જોડાયેલા શિક્ષકો પોરબંદર જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપશે.
જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારે જણાવ્યુ કે, પ્રથમ નોકરી એ દરેક માટે અવિસ્મરણીય ક્ષણ હોય છે. અગાઉ શિક્ષકોની અછત છતાં પોરબંદરનું શૈક્ષણિક પરિણામ સતત ઉંચું થતુ રહ્યું છે. હવે નવા શિક્ષકોના જોડાણથી વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક ભુખ સંતુષ્ટ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કુલ 32 શિક્ષણ સહાયકોએ નિમણૂક હુકમ આપીને ફરજ પર હાજર લેવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના નોડલ અધિકારી નમ્રતાબા વાઘેલા, સરકારી શિક્ષણ સંઘના પ્રમુખ હમીરભાઇ મોઢવાડિયા, સરકારી શિક્ષણ સંઘના હોદેદારઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, નવા નિમણૂક પામેલા શિક્ષકો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન સાહસ અને સમર્પણના ભાવ સાથે નવા શિક્ષકોને પોરબંદર જિલ્લાની શિક્ષણસેવામાં જોડાઈ ભવિષ્ય ઘડનારની ભુમિકા નિભાવવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya